મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

દર અઠવાડિયે પ્રમુખે કાર્યકરોને મળવું જોઇએ : કામનું વાર્ષિક ઓડિટ કરવું જોઇએ

ચિંતન શિબિર ઘડાયો પ્‍લાન

ઉદયપુર,તા.૧૪: પાર્ટી ચીફ સોનિયા ગાંધીએ ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં તેમના ભાષણમાં મોટા ફેરફારોના સંકેત આપ્‍યા છે, પરંતુ સોનિયા ગાંધીને પાર્ટીના નેતાઓ તરફથી કેટલાક પ્રસ્‍તાવો પણ મળ્‍યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે નેતાઓએ સોનિયા ગાંધીને ફરિયાદ કરી છે કે અધ્‍યક્ષ પાર્ટી કાર્યકર્તાઓને મળતા નથી. તેથી પ્રમુખે દર અઠવાડિયે પક્ષના કાર્યકરોને મળવું જોઈએ અને કામનું વાર્ષિક ઓડિટ થવું જોઈએ. જો કે છેલ્લા આઠ વર્ષથી ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને ચિંતન શિબિર કેટલું પ્રોત્‍સાહન આપી શકે છે તે જોવું રહ્યું.
રાજસ્‍થાનના ઉદયપુરમાં ત્રણ દિવસીય ચિંતન શિવરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. તેમના ઉદ્‌ઘાટન સંબોધનમાં સોનિયા ગાંધીએ સ્‍પષ્ટ કર્યું કે પાર્ટીએ કાર્યકરો અને નેતાઓ માટે ઘણું કર્યું છે. હવે તેમનું દેવું ચૂકવવાનો સમય આવી ગયો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે દેશના મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહેલા લોકોને કોંગ્રેસ પાસેથી જ આશા છે. પરંતુ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પાર્ટીમાં પાયાના સ્‍તરથી લઈને ટોચના સ્‍તર સુધી ઘણા સુધારાની જરૂર છે.
સોનિયાએ નેતાઓને આહ્વાન કર્યું કે તમે અહીં કંઈપણ કહેવા અને ઘણાં સૂચનો આપવા માટે સ્‍વતંત્ર છો, પરંતુ એક જ સંદેશ જવો જોઈએ કે અમે એક સંગઠન તરીકે એક છીએ. આ રીતે સોનિયા ગાંધીએ સ્‍પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસમાં પરિવર્તન માટે તૈયાર છે.
જે રીતે સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને સુધારા માટે હાકલ કરી હતી, તેવી જ રીતે પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને કેટલાક પ્રસ્‍તાવ મોકલવામાં આવ્‍યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ લાંબા સમયથી પાર્ટી કાર્યકર્તાઓને મળ્‍યા ન હતા. તેમજ તેમની સમસ્‍યાઓને ધ્‍યાનમાં લેવામાં આવી ન હતી. ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે પાર્ટી અધ્‍યક્ષે દર અઠવાડિયે કાર્યકરોને મળવું જોઈએ અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ.
કોંગ્રેસ પાર્ટીના ચિંતન શિબિરના પહેલા જ દિવસે એવું સૂચન કરવામાં આવ્‍યું છે કે પાર્ટીના તળિયાના કાર્યકરથી લઈને સાંસદ સુધીના કામનું વાર્ષિક ઓડિટ કરવામાં આવે. સુત્રો જણાવે છે કે પક્ષના નેતાઓ તેના માટે સંમત થયા છે. તેમનું માનવું છે કે આનાથી પાર્ટીના નેતાઓના કામમાં પારદર્શિતા આવશે. કોણ કામ કરી રહ્યું છે અને કોણ નથી તે જાણી શકાશે.

 

(10:32 am IST)