મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

‘હિંદી બોલતા લોકો પાણીપૂરી વેચી રહ્યા છેઃ અંગ્રેજી વધુ મૂલ્‍યવાન'

રાજયમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી અને તમિલ શીખતા હોવાથી તેમને હિંદીભાષાની જરૂર રહેતી નથીઃ તમિલનાડુના શિક્ષણમંત્રી પોનમુડીનું વિવાદાસ્‍પદ નિવેદન

ચેન્‍નાઇ, તા.૧૪: તમિલનાડુના શિક્ષણ મંત્રી પોનમુડી ભારથિઅરે વિવાદ સર્જતું નિવેદન આપતા કહ્યું હતું કે હિંદી બોલતા લોકો પાણીપૂરી વેચી રહ્યા છે, અંગ્રેજીભાષા વધુ મૂલ્‍યવાન છે. આ નિવેદનથી હોબાળો મચ્‍યો છે.
તમિલનાડુના શિક્ષણમંત્રી પોનમુડી ભારથિઅરે કોઈમ્‍બતૂર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજયપાલ આરએન રવિની હાજરીમાં એક વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું હતું. તમિલનાડુના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પહેલેથી જ એક આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખી રહ્યા છે. વળી, માતૃભાષા તમિલ પણ શીખી લે છે. તો પછી તેમને હિંદી શીખવાની જરૃર નથી. આટલેથી ન અટકતા આ શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે આપણે ત્‍યાં તો હિંદી શીખવાથી નોકરી મળતી નથી. હિંદી શીખતા લોકો તો કોઈમ્‍બતૂરમાં પાણીપૂરી વેચી રહ્યા છે. વૈકલ્‍પિક ભાષા તરીકે હિંદી રાખવી જોઈએ. ફરજિયાત ભાષા હિંદીને બનાવી શકાય નહીં એવું આ શિક્ષણમંત્રીએ કહ્યું હતું.
તમિલનાડુના શિક્ષણમંત્રીએ નવી શિક્ષણનીતિના સંદર્ભમાં કહ્યું હતું કે તમિલનાડુની સરકાર પહેલાથી જ સ્‍પષ્ટતા કરી ચૂકી છે કે રાજયમાં દ્વિ-ભાષા - અંગ્રેજી અને તમિલમાં જ તમામ સત્તાવાર વ્‍યવહાર થશે. તમિલનાડુની સરકાર રાજયમાં હિંદીને થોપવાની નીતિ ચલાવી નહીં લે એવું કહીને મંત્રીએ વિદ્યાર્થીઓને ઉશ્‍કેર્યા હતા.

 

(12:14 pm IST)