મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક કિસ્સો: ભાણીયાએ કુહાડીથી મામાનું માથું કાપી નાખ્યું:કપાયેલા માથાને લઈને ગામમાં ફરતો રહ્યો

માથું હાથમાં લઈને પોતે જાતે પોલીસ સ્ટેશન જવા નીકળ્યો:જમોંડી પોલીસ સ્ટેશન પહોંચવા માટે બે કિ.મી સુધી ચાલ્યો: પોલીસે રસ્તામાં જ તેની ધરપકડ કરી હતી

મધ્યપ્રદેશમાં સીધીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં મેલી વિદ્યાની શંકાના આધારે ભાણીયાએ કુહાડી વડે તેના મામાનું માથું કાપી નાખ્યું હતું. પછી માથું હાથમાં લઈને પોતે જાતે પોલીસ સ્ટેશન જવા નીકળ્યો હતો. રસ્તામાં તેને આ રીતે જોઈને લોકોએ તરત જ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જમોંડી પોલીસ સ્ટેશનના પ્રભારી શેષમણિ મિશ્રાએ જણાવ્યું કે કારીમાટીમાં શુક્રવારે 22 વર્ષીય રવેન્દ્ર ઉર્ફે છોટુ પિતા લાલ બહાદુર સિંહ ગોંડે તેના મામાનું માથું કુહાડીથી કાપી નાંખ્યું હતુ. ઘટના બાદ, સવારે લગભગ 8:30 વાગ્યે, આરોપી તેના કપાયેલા માથાને હાથમાં લઈને પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતો. જમોંડી પોલીસ સ્ટેશન પહોંચવા માટે બે કિ.મી સુધી ચાલ્યો હતો. પરંતુ પોલીસે રસ્તામાં જ તેની ધરપકડ કરી હતી.

આરોપી છોટુએ પોલીસને જણાવ્યું કે તેના મામા મકસુદન સિંહ ગોંડ (60) તેને અને તેના પરિવારને મેલીવિદ્યા દ્વારા હેરાન કરી રહ્યા હતા. જેના કારણે પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મામાને ઘણી વખત સમજાવ્યા પણ તે રોજ ઝઘડો કરતો હતો.

 

શુક્રવારે સવારે છોટુ તેના મામાના ઘરે ગયા હતો. તેના મામા તેને ઘણાં દિવસોથી પ્રસાદમાં બકરાની બલી ચઢાવવા માટે દબાણ કરી રહ્યા હતા. આ બાબતે છોટુએ જ્યારે બકરો આપવાની ના પાડી ત્યારે તેના મામા તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને તેને અપશબ્દો પણ કહ્યા હતા. આ વાત બાબતે છોટુ તેના મામા પર ખુબ જ ગુસ્સે ભરાયો હતો અને તેણે ત્યાં નજીકમાં પડેલી કુહાડી વડે મામાના ગળાના ભાગે જોરથી હુમલો કરી દીધો હતો. કુહાડીના એક જ પ્રહારમાં મામાનું માથું ધડથી અલગ થઈ ગયું હતુ.

આરોપી ગામમાં રહીને જ મજુરી કામ કરતો હતો. જ્યારે તેના મામો મેલીવિદ્યાનું કામ કરતો હતો. એટલા માટે તેણે બકરાની બલી ચઢાવવા માટે કહ્યું હતુ. આરોપી ભાણાના માતાની તબિયત સારી ન હતી, માટે મામા મેલીવિદ્યા દ્વારા તેની માતાને સ્વસ્થ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા.

પોલીસ ઉપરાંત FSLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. એએસપી અંજુલતા પટેલે જણાવ્યું હતુ કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ હત્યા કરવા પાછળનું સાચું કારણ જાણી શકાશે.

(7:17 pm IST)