મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

ખેડૂત વિરોધી સરકાર હોવાથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો: પી. ચિદમ્બરમના પ્રહાર

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ કહ્યુ કે નિકાસથી ખેડૂતોની સારી કમાણી થઈ શકત, પરંતુ સરકાર આવુ ઈચ્છતી નથી.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને કોંગ્રેસે ખેડૂત વિરોધી ગણાવ્યો છે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ કહ્યુ કે નિકાસથી ખેડૂતોની સારી કમાણી થઈ શકત, પરંતુ સરકાર આવુ ઈચ્છતી નથી. આ જ કારણોસર તેમણે આ ખેડૂત વિરોધી પગલુ ઉઠાવ્યુ છે

ચિંતન શિબિરના બીજા દિવસે પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન ચિદમ્બરમએ કહ્યુ કે મને લાગે છે કે કેન્દ્ર સરકાર પૂરતા પ્રમાણમાં ઘઉં ખરીદી શકી નહીં. આ જ કારણથી તેમણે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘઉંનુ ઉત્પાદન ઓછુ થયુ નથી, પરંતુ વધ્યુ જ છે. જો ખરીદી થઈ હોત તો ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂર જ ના પડત.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે

(8:08 pm IST)