મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

ભાજપના પ્રવક્તાનું વિવાદાસ્પદ નિવેદન : કહ્યું -મોક્ષ પ્રાપ્તિને કારણે મરી રહ્યાં છે તીર્થ યાત્રીઓ

ભાજપના પ્રવક્તા શાદમ શમ્સે કહ્યું કે, લોકો મોક્ષની ઈચ્છા સાથે ચારધામની યાત્રા પર આવે છે. એટલા માટે તેઓ પોતાની બીમારીઓને છુપાવીને પોતાને ફિટ રહેવાનું કહે છે.

નવી દિલ્હી :ચારધામ યાત્રામાં કથળેલી આરોગ્ય સેવાઓને કારણે યાત્રીઓ મોતને ભેટી રહ્યાં છે તેવા આરોપની વચ્ચે ભાજપ નેતાએ એક વિચિત્ર નિવેદન આપીને વિવાદ પેદા કર્યો છે. મીડિયા સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા શાદમ શમ્સે કહ્યું કે, લોકો મોક્ષની ઈચ્છા સાથે ચારધામની યાત્રા પર આવે છે. એટલા માટે તેઓ પોતાની બીમારીઓને છુપાવીને પોતાને ફિટ રહેવાનું કહે છે. જો કે શમ્સે એમ પણ કહ્યું હતું કે સરકારી આરોગ્ય સેવાઓ વ્યવસ્થિત છે. સરકાર દરેક મુસાફરને બીમારીના કિસ્સામાં અને માંદગીના કિસ્સામાં તાત્કાલિક સારવાર પણ પૂરી પાડી રહી છે.

ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મૃત્યુને મોક્ષ પ્રાપ્તિ સાથે જોડવા માટે કોંગ્રેસે ભાજપ સામે મોરચો ખોલ્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભાજપ ખોટા નિવેદનો આપીને ભ્રમ ફેલાવી રહી છે. યાત્રાના રૂટ પર બીમારીના કારણે ભક્તોના મોત થયા હશે પરંતુ તે રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધો પ્રશ્નાર્થ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ચારધામમાં અત્યાર સુધી 31 લોકોના મોત થઈ ચૂક્યા છે. અસહ્ય ગરમીને કારણે હાર્ટએટેકને કારણે તેમના મોત થયા હોવાનું કહેવાય છે

(8:44 pm IST)