મુખ્ય સમાચાર
News of Tuesday, 14th June 2022

શું છે નેશનલ હેરાલ્‍ડ કેસ ?

૨૦૦૦ કરોડની સંપત્તિ માત્ર ૫૦ લાખમાં હડપી લેવાનો આક્ષેપઃ આરોપ સાબિત થાય તો કેટલી થશે સજા?

શા માટે થઈ શકે છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સજા? નેશનલ હેરાલ્‍ડ કેસમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્‍યક્ષા સોનિયા ગાંધી જામીન પર છે

નવી દિલ્‍હી, તા.૧૩: નેશનલ હેરાલ્‍ડ ૧૯૩૮ માં શરૂ કરવામાં આવેલું એક વર્તમાનપત્ર હતું જે ખરેખર તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં મગજની ઉપજ હતું. ૧૯૪૭ માં ભારતને સ્‍વતંત્રતા મળી ત્‍યારે પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તેમણે કારભાર સંભાળ્‍યો ત્‍યાર પછીથી અખબરનાં અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની વિચારધારાને આકાર આપવામાં આ વર્તમાન પત્રએ મોટો ભાગ ભજવ્‍યો હતો. અંગ્રેજી અખબારોમાં તે એક મહત્‍વનું અને અગ્રણી વર્તમાન પત્ર બની ગયું હતું. તેને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નાણાકીય મદદ મળતી રહી હોવાની ચર્ચા છે.
હિન્‍દીમાં નવજીવન, ઉર્દુમાં કોમી અવાજ અને ઈંગ્‍લીશમાં નેશનલ હેરાલ્‍ડ એસોસીએટેડ જર્નલ દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા.
ધીમે ધીમે આ ન્‍યૂઝપેપર્સનું વેચાણ ઓછું થઈ જતાં વર્તમાન પત્ર પર ૯૦ કરોડનું દેવું થઈ ગયેલું.
પરંતુ ૨૦૦૮ માં આ ન્‍યૂઝપેપરે પોતાનું કામકાજ બંધ કર્યું હતું અને ૨૦૧૬ માં તેનું ડિજિટલ પબ્‍લિકેશન શરૂ થયું હતું.
આ દેવું ભરપાઈ કરવા માટે યંગ ઇન્‍ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.  જેમાં મોટા ભાગની માલિકી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગાંધીનાં નામે હતી. તેમણે એસોસીએટેડ જર્નલને ખરીદી લીધી અને ત્‍યાંથી ફૂટયો કૌભાંડનો ભાંડો.
ભાજપ નેતા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ એક PIL નાખી અને કોંગ્રેસનાં નેતાએ ગંભીર આક્ષેપો લગાવ્‍યા હતા.
તેમણે ૨૦૧૨ માં દિલ્‍હીના પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં મોતીલાલ વોરા, ઓસ્‍કર ફર્નાન્‍ડીસ, સામ પિત્રોડા અને સમન દુબે પર નુકસાનમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્‍ડ ન્‍યૂઝપેપરને છેતરપિંડીથી અને પૈસાની હેરફેરીથી હડપ કરી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્‍યો હતો.
આરોપાનુસાર કોંગ્રેસી નેતાઓએ નેશનલ હેરાલ્‍ડની સંપતિઓ પર કબજો જમાવી યંગ ઈન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે YIL નામનું ઓર્ગેનાઇઝેશન બનાવ્‍યું હતું અને તેના દ્વારા નેશનલ હેરાલ્‍ડનું પ્રકાશન કરનાર એસોસીએટેડ જર્નલ લિમિટેડ એટલે કે AJLનું ગેરકાનૂની રીતે ટેક ઓવર કરી લીધું હતું. ભાજપ નેતા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ એવો પણ આરોપ લગાવ્‍યો હતો કે ૨૦૦૦ કરોડની કંપનીની બિલ્‍ડિંગ પર કબજો જમાવવામાં આવ્‍યો હતો.
તેમણે કહ્યું હતું કે હજારો કરોડની કંપનીને માત્ર ૫૦ લાખ રૂપિયામાં કેવી રીતે ખરીદવામાં આવી? આ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ સામે તેમણે કેસ ચલાવવાની માંગ કરી હતી. આ મામલે ૨૦૧૫માં ED દ્વારા મની લોન્‍ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો અને ૨૦૧૫ માં દિલ્‍હીની પટિયાલા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્‍યા હતા.
કેટલી સજા થઈ શકે? ભાજપ નેતા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ કહ્યું હતું કે આ કેસમાં આરોપીઓને ૮ વર્ષની સજા થાય તેવી શકયતા છે. આજે કેન્‍દ્રીય મંત્રી સ્‍મળતિ ઈરાનીએ પણ આ મામલે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી હતી.

 

(12:00 am IST)