મુખ્ય સમાચાર
News of Tuesday, 14th June 2022

શિમલામાં પાણીની કટોકટી : દોડે છે ટેન્‍કરો

૨૦૧૮ જેવી સ્‍થિતિનું ફરી નિર્માણ થયું

શિમલા તા. ૧૪ :  હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પીવાના પાણી માટે હાહાકાર મચી ગયો છે. આ દિવસોમાં લોકો પહાડોની રાણીમાં પીવાના પાણી માટે તરસી રહ્યા છે. શહેરના લગભગ તમામ વિસ્‍તારોમાં ૩ થી ૪ દિવસે પાણી આવી રહ્યું છે તો ઘણા વિસ્‍તારોમાં ૬ થી ૭ દિવસે પાણી આવી રહ્યું છે.શહેરના કેટલાક વિસ્‍તારો એવા છે જયાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે. રાજધાનીના વિકાસનગરમાંથી આવી તસવીર સામે આવી છે, જે કહી રહી છે કે સ્‍માર્ટ બની રહેલા શહેરની શું હાલત છે.

વિકાસનગરમાં બાબરીમાંથી લોકો પાણી ભરી રહ્યા છે. અહીં વહીવટીતંત્ર દ્વારા સ્‍પષ્ટ લખવામાં આવ્‍યું છે કે આ પાણી પીવાલાયક નથી, પરંતુ સ્‍થિતિ એવી છે કે લોકો અહીંથી પીવા માટે પાણી ભરી રહ્યા છે. પાણી ભરવા માટે કતારો લાગી છે. અહીં પશુઓ પણ રખડતા હોય છે, લોકો પણ પાણી ભરે છે અને અહીં કપડાં ધોવા મજબૂર છે. અહીંના સ્‍થાનિક રહીશો જણાવી રહ્યા છે કે હવે આ સિવાય કોઈ વિકલ્‍પ નથી. તસવીર રવિવારની છે. નોંધનીય છે કે ૨૦૧૮માં શિમલાના પાણીને લઈને એટલો બધો હોબાળો થયો હતો કે પ્રવાસીઓને પણ શિમલા ન આવવાની અપીલ કરવી પડી હતી.

સમરહિલમાં હોટલ ચલાવતા વેપારીને પાણી ખરીદવું પડે છે. શહેરના તમામ ઉપનગરોમાં ત્રણ-ચાર દિવસ બાદ પાણી આવી રહ્યું છે. શહેરમાં દર વર્ષે ઉનાળાની ઋતુમાં આ પ્રકારની સ્‍થિતિ સર્જાતી હોય છે. હવામાનની ઉકળાટને જોતા લાગી રહ્યું છે કે વધુ રાહત મળવાની આશા ઓછી છે. સ્‍થિતિ એવી બની છે કે એચપીયુની હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વહીવટીતંત્રનો ઘેરાવ કરવો પડ્‍યો હતો. ગઇકાલે જયારે વિદ્યાર્થીઓએ અધિકારીઓનો ઘેરાવ કર્યો ત્‍યારે HPUમાં કામ કરતા SDO રાજેશ ઠાકુર, જુનિયર એન્‍જિનિયર જગદીશ ઠાકુર સાથે શિમલા જલ મેનેજમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજર આરકે વર્મા પાસે ગયા. શહેરના રહેવાસીઓ મહાનગરપાલિકા શિમલા અને શિમલા વોટર મેનેજમેન્‍ટ કોર્પોરેશનથી ખૂબ નારાજ છે.

(10:46 am IST)