મુખ્ય સમાચાર
News of Tuesday, 14th June 2022

ભારતીય સૈન્‍યમાં ૪ વર્ષ માટે નિમણુક પામશે ‘અગ્નિવીર' : ૩૦,૦૦૦ પગાર : ૪૪ લાખનો હશે વીમો

રાજનાથે જાહેર કરી ‘અગ્નિપથ' સ્‍કીમ : યુવા વર્ગને મળશે દેશ સેવાની તક : ૧૭ વર્ષ ૬ મહિનાથી ૨૧ વર્ષનાની થઇ શકશે ભરતી

નવી દિલ્‍હી તા. ૧૪ : રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સશષા દળોમાં ૪ વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નિવીર' તરીકે સેવા કરવાની તક આપવામાં આવશે. તેનાથી દેશની સુરક્ષા મજબૂત થશે અને યુવાનોને રોજગારીની તકો મળશે. દેશના દરેક યુવાનો જીવનમાં સેનામાં ભરતીનું સપનું જુએ છે. આ અગ્નિપથ યોજનાથી રોજગારની તકો વધશે અને યુવાનોને અન્‍ય ક્ષેત્રોમાં જવાની પણ સારી તકો મળશે. આ સ્‍કીમ હેઠળ ૪ વર્ષ માટે નિમણુંક પામશે યુવાનો, ૩૦,૦૦૦ પગાર તેમજ ૪૪ લાખનો વિમો હશે.

તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. ‘અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં ૪ વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. ‘ટૂર ઓફ ડ્‍યુટી'નો હેતુ સંરક્ષણ દળોના ખર્ચ અને વયને ઘટાડવાનો પણ છે. આ યોજનાના સાથે, ભારતીય દળોની સરેરાશ વય પ્રોફાઇલ ૩૫ વર્ષથી ઘટાડીને ૨૫ વર્ષ કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ સેનાની ત્રણેય પાંખમાં પ્રથમ વર્ષમાં ૪૫ હજારથી વધુ યુવાનોની ભરતી થઈ શકે છે. બે અઠવાડિયા પહેલા જ જળ, થલસેના અને એરફોર્સના વડાઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને અગ્નિપથ યોજના વિશે જાણકારી આપી હતી.

ખાસ વાત એ છે કે, હવે સેનાની રેજિમેન્‍ટમાં જાતિ, ધર્મ અને ક્ષેત્રના હિસાબે ભરતી નહીં થાય, પરંતુ દેશવાસીઓ તરીકે થશે. એટલે કે, કોઈપણ જાતિ, ધર્મ અને પ્રદેશના યુવાનો કોઈપણ રેજિમેન્‍ટ માટે અરજી કરી શકે છે.

આ તમામ રેજિમેન્‍ટ જાતિ, વર્ગ, ધર્મ અને પ્રદેશના આધારે તૈયાર કરવામાં આવે છે.સ્‍વતંત્રતાની આવી એક જ રેજિમેન્‍ટ છે, ગાર્ડ્‍સ રેજિમેન્‍ટ જે અખિલ ભારતીય અખિલ વર્ગના આધારે ઉભી કરવામાં આવી હતી. પરંતુ હવે અગ્નિવીર યોજનામાં માનવામાં આવે છે કે સેનાની તમામ રેજિમેન્‍ટ અખિલ ભારતીય ઓલ ક્‍લાસ પર આધારિત હશે. એટલે કે દેશનો કોઈપણ યુવક કોઈપણ રેજિમેન્‍ટ માટે અરજી કરી શકે છે. આઝાદી બાદથી તેને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટા સંરક્ષણ સુધારા તરીકે ગણવામાં આવે છે.

પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્‍ટ છે જેના હેઠળ સેનામાં શામેલ થઈ રહેલા યુવાઓની એવરેજ ઉંમરને ઘટાડવાનો પ્રયાસ હશે અને રક્ષાબળના ખર્ચમાં પણ ઘટાડો કરાશે. માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર ૩૨ વર્ષ છે જે હવે આ યોજનાથી ૨૬ વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ (અગ્નિવીર) સેનામાં ભરતી કરાશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્‍ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે ૩૦થી ૪૦ હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.(૨૧.૪૭)

સેનાની ભરતીના નવા નિયમ

(3:42 pm IST)