મુખ્ય સમાચાર
News of Tuesday, 14th June 2022

આ જુમલા નહીં, મહા જુમલાની સરકાર:10 લાખ નોકરીઓ આપવાની કેન્દ્રની જાહેરાત પર રાહુલગાંધીના આકરા પ્રહાર

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જી નોકરીઓ બનાવવામાં નહીં નોકરીઓ પર ન્યૂઝ બનાવવામાં એક્સપર્ટ છે.

નવી દિલ્હી :ઈડીની બીજા દિવસની પૂછપરછમાંથી બહાર આવેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચાબખા મારતા એવું કહ્યું કે મોદી સરકારે 10 લાખ નવી નોકરીઓની જે જાહેરાત કરી છે તે જુમલો નથી પરંતુ મહાજુમલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 10 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે જેની પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો

  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે જેવી રીતે 8 વર્ષ પહેલા યુવાનોને દર વર્ષે 2 કરોડ નોકરીઓની લાલચ આપી હતી તેવી રીતે હવે 10 લાખ સરકારી નોકરીઓનો વારો છે. રાહુલે કહ્યું કે આ જુમલા નહીં, મહા જુમલાની સરકાર છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જી નોકરીઓ બનાવવામાં નહીં નોકરીઓ પર ન્યૂઝ બનાવવામાં એક્સપર્ટ છે. 

  કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંગે કોંગ્રેસનું નિવેદન આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવો વધુ એક જુમલો કેન્દ્ર સરકારે આપ્યો છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 10 લાખ નોકરીની જાહેરાત કરાઇ છે. કોંગ્રેસે એવું પણ કહ્યું કે પહેલા 2 કરોડ નોકરીઓ આપવાનો દાવો કર્યો હતો પરંતુ  દેશમાં 14 કરોડ કરતાં વધુ લોકો બેરોજગાર બન્યા છે. કોંગ્રેસે કહ્યું કે દેશમાં હાલમાં 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારી દર નોંધાયો છે. સરકારે  રેલવેમાં 56 હજાર કરતા વધુ પદ નાબૂદ કરી નાંખ્યા તેમજ સૈન્યમાં પણ સરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરી છે. 

(8:50 pm IST)