મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

ઇરાકમાં કોવિડ વૉર્ડમાં આગ લાગતાં 90થી વધુનાં મૃત્યુ પરિવારજનોમાં આક્રોશ : પોલીસની ગાડીઓમાં આગચંપી

ઇરાકના નસીરિયા શહેરમાં દક્ષિણમાં અલ-હુસૈન હૉસ્પિટલમાં આગ લાગી

ઇરાકની એક હૉસ્પિટલમાં કોરોના વાઇરસના આઇસોલેશન વૉર્ડમાં આગ લાગવાથી 90થી વધુ લોકોનાં મોત થયાં છે.

મૃતકોના પરિજનોમાં આ ઘટના બાદ ઘણો રોષ છે અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે. આક્રોશિત લોકોએ પોલીસને બે ગાડીઓને પણ આગચંપી કરી દીધી છે.

ઇરાકના નસીરિયા શહેરમાં દક્ષિણમાં અલ-હુસૈન હૉસ્પિટલમાં લાગેલી આગ પર સોમવારે મોડી રાતે કાબૂ મેળવી લેવાયો હતો.

હાલ આગનું કારણ સ્પષ્ટ નથી પરંતુ પ્રારંભિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે એક ઑક્સિજન ટૅન્કમાં વિસ્ફોટ બાદ લાગી હતી.

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કદીમીએ હૉસ્પિટલના પ્રમુખની ધરપકડનો આદેશ આપી દીધો છે.અહીં દર્દીઓના પરિવારજનો હૉસ્પિટલ બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

સમાચાર સંસ્થા રૉયટર્સે પોલીસ સાથેની અથડામણના પણ સમાચાર નોંધ્યા છે. એજન્સી અનુસાર પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસના બે વાહનોમાં આગ લગાવી દીધી છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ ઍસોસિયેટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નવા વૉર્ડમાં 70 બેડ માટે જગ્યા હતી અને તેને માત્ર ત્રણ મહિના પહેલા જ તૈયાર કરાયો હતો.

રૉયટર્સને હૉસ્પિટલના ગાર્ડે જણાવ્યું , "મેં પહેલાં કોરોના વાઇરસના વોર્ડમાં એક મોટો વિસ્ફોટ સાંભળ્યો અને પછી મોટી આગ જોવા મળી."

(12:17 am IST)