મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

સાઉથ કોરિયામાં ટોયલેટ યુઝ કરવા પર મળે છે પૈસા

માનવ મળના પૈસા : શૌચાલયના કચરામાંથી કરાય છે વીજળી ઉત્પન્ન

સીઉલ તા. ૧૪ : દક્ષિણ કોરિયાની એક યુનિવર્સિટી શૌચાલયનો ઉપયોગ કરવા માટે પૈસા આપી રહી છે. જોકે આ નાણાં ડિજિટલ મનીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. આ શૌચાલય ઉલ્સાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (યુએનઆઈએસટી) માં છે. યુએનઆઇએસટી એ દક્ષિણ કોરિયાની ૪ જાહેર યુનિવર્સિટીઓમાંથી એક છે જે વૈજ્ઞાનિક અને તકનીકી સંશોધનને સમર્પિત છે.

હકિકતમાં આ ટોયલેટ યુનિવર્સિટીની એક લેબ સાથે જોડાયેલું છે જે આ માનવ કચરામાંથી બાયોગેસ અને ખાતર બનાવે છે. આ શૌચાલય યુએનઆઈએસટીના પર્યાવરણીય એન્જિનિયરિંગના પ્રોફેસર જે-વેન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું નામ બીવી રાખવામાં આવ્યું છે.

આ શૌચાલયનો ઉપયોગ કરવા બદલ યુઝર્સને ડિજિટલ પેમેન્ટ મળે છે. જેનું નામ ઞ્િંંંશ્ર છે. યુઝર્સ દરરોજ ૧૦ જીગૂલ કમાવી શકે છે અને આ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કેમ્પસમાં કોફી, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ફળો અને પુસ્તકો વગેરે ખરીદવા માટે કરી શકે છે.

શૌચાલયમાંથી માનવ કચરો ભૂગર્ભ ટાંકીમાં દબાણ કરવા વેકયૂમ પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. સુક્ષ્મ સજીવો પછી મળને મિથેનમાં તોડીને ઉર્જા સ્રોતમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયામાંથી કાઢવામાં આવતી ઊર્જાનો ઉપયોગ વિદ્યુત બનાવવા અને યુનિવર્સિટીના મકાનમાં ગેસ સ્ટોવ અને ગરમ પાણીના બોઇલર ચલાવવા માટે થાય છે.

પ્રોફેસર જે-વેન કહે છે, 'જો આપણે લીકથી હટીને વિચારીએ તો ઊર્જા અને ખાતર બનાવવા માનવ મળ કિમતી સાબિત થઈ શકે છે. એક દિવસમાં સરેરાશ વ્યકિત આશરે ૫૦૦ ગ્રામ માનવ કચરો કાઢે છે. તેનાથી ૫૦ લિટર મિથેનમાં રૂપાંતરિત કરી શકાય છે. તે લગભગ ૦.૭૫ માઇલ સુધી ગાડી ચલાવવા માટે પર્યાપ્ત ઊર્જા ઉત્પન્ન કરી શકે છે, જેનાથી 0.5kWh વીજળી ઉત્પન્ન થાય છે.'

યુનિવર્સિટીમાં શૌચાલયોનો ઉપયોગ કરવા માટે ડિજિટલ પૈસા મળવાની યોજનાએ ભારે ચર્ચા ઊભી કરી છે. યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીએ કહ્યું કે, 'પહેલા હું માનતો હતો કે માનવ કચરો એક ગંદી વસ્તુ છે, પરંતુ હવે તે એવું નથી કારણ કે તે મને પૈસા આપે છે. હવે હું ખાતી વખતે પણ તેના વિશે વાત કરું છું જેથી હું મારું પ્રિય પુસ્તક ખરીદવાનું વિચારી શકું.'

(10:10 am IST)