મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પીલીભીત જીલ્લામાં એક અજીબો-ગરીબ ઘટના

બિલાડી કબૂતર ખાઈ ગઈ તો બે પાડોશીઓ વચ્‍ચે થઈ જોરદાર મારામારી

ફરી એકવાર બિલાડી પાડોશીના ઘરમાં ઘુસી જતાં પાડોશીએ બિલાડીને બંધક બનાવી લીધી : બિલાડી-કબૂતરને લઈને મામલો વણસતા બંને પાડોશીએ એકબીજાને લાકડીથી માર્યો માર

પીલીભીત,તા.૧૪: ઉત્તર પ્રદેશના પીલીભીત જીલ્લામાં બિલાડી અને કબૂતરને લઈને બે પાડોશીઓ વચ્‍ચે જોરદાર મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે બંને પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત એવી છે કે, પૂરનપુર પોલીસ સ્‍ટેશન હેઠળ આવતા શેરપુર ગામમાં રહેતાં તૌકીર મિયાં પશુપ્રેમી છે. તે પોતાના ઘરમાં બિલાડી પાળવાનો શોખ ધરાવે છે. પ્રાપ્ત જાણકારી મુજબ, તૌકીર મિયાંએ પાળેલી બિલાડી બે દિવસ પહેલાં પાડોશમાં રહેતાં શાન મિયાંના ઘરે પહોંચી ગઈ. પાડોશી શાન મિયાંનો આરોપ છે કે, આ દરમિયાન બિલાડી એક કબૂતરને ખાઈ ગઈ. આ વાતને લઈને બંને પક્ષોમાં બોલાચાલી થઈ અને મામલો શાંત થઈ ગયો. સોમવારે મોડી સાંજે ફરી એકવાર તૌકીર મિયાંની બિલાડી પાડોશી શાન મિયાંના ઘરે પહોંચી ગઈ. આ દરમિયાન પહેલાં થયેલી ઘટનાના પગલે શાન મિયાંએ બિલાડીને બંધક બનાવી દીધી. જયારે લાંબા સમય સુધી તૌકીર મિયાંને પોતાની પાળેલી બિલાડી દેખાઈ નહીં તો તેણે બિલાડીની શોધખોળ હાથ ધરી.

સોમવારે બિલાડીને શોધતાં શોધતાં તૌકીર પોતાના પાડોશી શાન મિયાંના ઘરે પહોંચી ગયા અને બિલાડીને લઈને પૂછપરછ કરવા લાગ્‍યા. આ દરમિયાન પાડોશી શાન મિયાંએ બિલાડી અહીં નહીં હોવાની વાત કરી અને તૌકીરને ચાલ્‍યા જવાનું કહ્યું. તૌકીર પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્‍યારે જ અચાનક બિલાડીનો અવાજ સંભળાયો. એ પછી તૌકીરને ગુસ્‍સે ચઢ્‍યો. જોતજોતામાં બંને પક્ષોમાં વિવાદ થયો અને એકબીજાને અપશબ્‍દો બોલવા લાગ્‍યાં. બાદમાં વિવાદ વકરતા બંનેએ એકબીજાને લાકડીઓથી માર માર્યો. જેમાં તૌકીર મિયાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થઈ ગયાં. ઈજાગ્રસ્‍ત હાલતમાં તૌકીર મિયાં ફરિયાદ કરવા માટે પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યાં. તેની ફરિયાદના આધારે પૂરનપુર પોલીસે મંગળવારે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી.

આ મામલે પૂરનપુર પોલીસ સ્‍ટેશનના અધિકારી હરીશ વર્ધન સિંહે કહ્યું કે, બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આ મારામારીમાં તૌકીર મિયાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે. જેમને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યાં છે.

 

(10:19 am IST)