મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

૨૪ કલાકમાં વધુ ૩૮,૭૯૨ લોકો સંક્રમિતઃ ૬૨૪ દર્દીઓના મોત

દક્ષિણ ભારતના રાજયોએ ચિંતા વધારીઃ માત્ર કેરળમાં નોંધાયા ૧૪,૫૩૯ નવા કેસ

નવી દિલ્હી, તા.૧૪: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ભલે ઝડપથી ઘટી રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાના વધતા ગ્રાફે ચિંતા વધારી છે. દેશના અનેક રાજયોમાં કોરોનાના નવા વેરિયન્ટ મળવાથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો છે. માત્ર કેરળમાં જ એક દિવસમાં ૧૪,૫૩૯ લોકો સંક્રમિત થતા ચિંતામાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૭૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૬૨૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૯,૪૬,૦૭૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૭૬,૯૭,૯૩૫ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૭,૧૪,૪૪૧ લોકોને રસી આપવામાં આવી છે.

 ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૩,૫૯,૭૩,૬૩૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૧૫,૫૦૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ દ્યટી ગયા છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૧ કેસ નોંધાયા છે. જેની સામે ૧૧૧૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ છે.

 ગુજરાતમાં સાજા થવાનો દર ૯૮.૬૯ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૮૩,૬૯,૪૯૮ ડોઝ કોરોના વેકસીનના આપવામાં આવ્યા છે. મંગળવારે કુલ ૨,૫૩,૩૦૮ વ્યકિતઓનું રસીકરણ થયું છે. રાજયના ૨૫ જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે.

(11:06 am IST)