મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

અમદાવાદ એરપોર્ટ પર કાર્ગોમાંથી સાડા ત્રણ કરોડના સોનાની ચોરી

ઓટોમોબાઇલ પાર્ટસ બતાવીને દુબઇથી આવ્યું હતું કન્સાઇનમેન્ટ

અમદાવાદ,તા. ૧૪ : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગોમાંથી  ૭ કિલો કથિત સોનાની ચોરીને કિસ્સો સામે આવ્યો છે. ચોરી થયેલ સોનાની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા અંકાઇ રહી છે. જણાવાઇ રહ્યું છે કે ચોરી થયેલ સોનું ૩૨ કિલોના કન્સાઇનમેન્ટનો ભાગ હતુ જેને ઓટોમોબાઇલ પાર્ટસ દશાવીને લાવવામાં આવી રહ્યું હતું.

અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્ષમાં (એએસીસી)માં બનેલ આ ઘટનામાં કોઇ કસ્ટમ અધિકારીની સંડોવણી માનવામાં આવી રહી છે. પોલીસ અને કસ્ટમ વિભાગનું આવું માનવું છે. આ ચોરી મે મહિનામાં થઇ હતી. પછી એએસીસીએ તપાસ માટે સીસી ક્રાઇમ બ્રાંચને અરજી આપી હતી.

મળતી માહિતી અનુસાર દુબઇથી આવેલ કાર્ગો કન્સાઇનમેન્ટમાં ૩૨ કિલો ઓટોમોબાઇલ પાર્ટસ હોવાનું દર્શાવાયું હતું તેને કસ્ટમ કલીયરંસ માટે વેરહાઉસમાં રખાયું હતું. અમદાવાદના કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી કે આ કાર્ગો અંગે ખોટી માહિતી અપાઇ હતી. અને તેમાં ગુપ્ત રીતે સોનું છૂપાવીને રખાયું છે.

સુત્રો અનુસાર, કન્સાઇનમેન્ટનું નિરિક્ષણ કરતા તેમાં ૭ કિલો સોનુ ઓછુ મળ્યું હતું. અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજની સાથે સાક્ષઓના બયાન  પણ લેવામાં આવ્યા હતા. તપાસમાં અત્યાર સુધીમાં એ વાત સામે આવી છે કે કાર્ગો કન્સાઇનમેંટમાં છેડછાડ કરાઇ છે. તેમાં કસ્ટમ વિભાગના જ એક કર્મચારીની સંડોવણી હોવાની વાત સામે આવી છે. ફૂટેજમાં આ શંકાસ્પદ વ્યકિતને કારમાં કંઇક સામાન મૂકીને નીકળતો જોઇ શકાય છે. આ અંગે શંકાસ્પદ કસ્ટમ અધિકારી સાથે ફરિયાદ નોંધાવી શકાય છે.

(11:07 am IST)