મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

રસીકરણમાં હિમાચલ પ્રથમ : ગુજરાત ત્રીજુ : બિહાર ૧૦-યુપી ૧૧માં ક્રમે

સૌથી વધુ વેકસીનેશનમાં હિમાચલના ડંકા : અહીં ૧૮ વર્ષથી ઉપરની ૧૬.૧ ટકા વસ્તીને બંને ડોઝ અપાયા : ૬૨.૧ ટકા વસ્તીને એક ડોઝ : દિલ્હીમાં ૪૫.૪ ટકાનું રસીકરણ તો ગુજરાતમાં ૪૪.૪ ટકા લોકોને રસી આપવામાં આવી : બિહારમાં ૨૨ ટકાને જ પ્રથમ ડોઝ તો યુપીમાં ૨૧.૫ ટકાને પ્રથમ ડોઝ અપાયો

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડી જઇ રહી છે. તો સાથોસાથ રસીકરણનું કામ પણ ઝડપથી થઇ રહ્યું છે. જનસંખ્યાના હિસાબથી જોવામાં આવે તો સૌથી વધુ વેકસીનેશન કરવાના મામલામાં હિમાચલ પ્રદેશ ટોપ ઉપર છે. બીજા ક્રમે દિલ્હી છે, ગુજરાત ત્રીજા ક્રમે છે જ્યારે બિહાર ૧૦માં અને યુપી ૧૧માં ક્રમે છે. તો બીજી તરફ ડરામણા સમાચાર એવા મળી રહ્યા છે કે કોરોનાથી મૃત્યુદરમાં દેશમાં પહેલા નંબરે પંજાબ પહોંચી ગયું છે. મહારાષ્ટ્રને તેણે પાછળ છોડી દીધું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલા ડેટા અનુસાર હિમાચલમાં ૧૮ વર્ષથી ઉપરના ૬૨.૧ ટકા વસ્તીને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે તે દેશમાં સૌથી વધુ છે. હિમાચલમાં ૧૮ વર્ષથી ઉપરના ૧૦માંથી ૬ વ્યકિતને વેકસીનનો એક ડોઝ આપવામાં આવ્યો છે.

હિમાચલ પછી દિલ્હીનો ક્રમ છે જ્યાં ૧૮ વર્ષથી ઉપરના ૪૫.૪ ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. ત્રીજા ક્રમે ૪૪.૪ ટકા કવરેજ સાથે ગુજરાત છે. યુપી અને બિહાર આ મામલામાં ઘણા પાછળ છે. બિહારમાં અત્યાર સુધી ૨૨ ટકા વસ્તીને જ એક ડોઝ અપાયો છે જ્યારે યુપીમાં ૨૧.૫ ટકા જ પ્રથમ ડોઝ અપાયો છે. ગુજરાત પછી કેરળ ૪૩.૬ ટકા સાથે ચોથા ક્રમે છે.

વેકસીનના બંને ડોઝ આપવાના મામલામાં હિમાચલ આગળ છે. અહીં ૧૮ વર્ષથી ઉપરના ૧૬.૧ ટકા લોકોને વેકસીનના બંને ડોઝ અપાયા છે. બીજા ક્રમે કેરળ છે જ્યાં ૧૮ ટકા વસ્તીને રસી અપાઇ ગઇ છે. દિલ્હી ત્રીજા ક્રમે જ્યાં ૧૮ વર્ષથી ઉપરના ૧૩.૯ ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ મામલામાં પણ યુપી અને બિહાર પાછળ છે. યુપીમાં અત્યાર સુધી ૧૮ વર્ષથી ઉપરના ૪ ટકા લોકોને અને બિહારના ૩.૭ ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી ૩૮.૫૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાથી ૩૦.૮૭ કરોડથી વધુને એક ડોઝ અને ૭.૬૨ કરોડને બંને ડોઝ અપાયા છે.

કોરોનાના મામલે પંજાબથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. કોરોનાથી મૃત્યુદરમાં પંજાબ મહારાષ્ટ્રથી આગળ નિકળી ગયું છે અને તે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. પંજાબમાં મૃત્યુદર ૨.૭ ટકા અને મહારાષ્ટ્રમાં ૨ ટકા નોંધાયેલ છે. સમગ્ર દેશનો દર ૧.૩ ટકા છે.

(11:08 am IST)