મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

હવે સાથે લઇને ફરો ઓકસીજન

૩૦૦ ગ્રામની બોતલમાં હશે ૧૦ લીટર ઓકસીજન : ૪૯૯ રૂપિયાની ઓકસીરાઇઝ બોતલનું ઓનલાઇન વેચાણ શરૂ

કાનપુર તા. ૧૪ : કોરોનાથી પોતાની જાતને બચાવવા માટે માસ્ક અને સેનેટાઇઝરની જેમ હવે તમે ઓકસીજન પણ સાથે રાખી શકશો. આઇઆઇટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇ-સ્પીન નેનોટેક પ્રાઇવેટ લીમીટેડના ડોકટર સંદિપ પાટીલે ઓકસીરાઇઝ નામની બોટલ બનાવી છે. તેમાં ૧૦ લીટર ઓકસીજન સમાય છે. ઇમરજન્સીમાં આ બોટલમાંથી ઓકસીજનના શોટસ આપીને દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય છે. ફકત ૪૯૯ રૂપિયાની આ બોટલનું ઓનલાઇન વેચાણ શરૂ થઇ ગયું છે.

ડો. સંદિપ પાટીલની કંપની ઇ-સ્પિને પાંચ લેયરનો એન-૯૫ સ્વાસા માસ્ક પણ બનાવ્યો છે. હવે તેણે ઓકસીજન બોટલ બનાવી છે. આ ટીમમાં નિતીન ચરહાઠે, સોહિલ પટેલ, મયુર વગેરે પણ સામેલ છે. ૩૦૦ ગ્રામની આ બોટલમાં ૧૦ લીટર ઓકસીજન કમ્પ્રેસ કરીને ભરાયો છે. એક બોટલથી ઓકસીજનના ૨૦૦ શોટ લઇ શકાય છે.

ડો. સંદિપ પાટીલે કહ્યું કે, કોરોનાની બીજી લહેરે બધાને હચમચાવી મુકયા હતા. ઓકસીજનની અછતની ગંભીર સમસ્યાથી બધા પરેશાન હતા ત્યારે વિચાર આવ્યો કે એવો વિકલ્પ કેમ તૈયાર ન કરી શકાય જે પોર્ટેબલ હોય અને ઇમરજન્સીમાં કામ આવે. પછી ટીમ સાથે મળીને અમે આ બોટલ તૈયાર કરી. તેમાં એક ડીવાઇસ લાગેલી છે જેની મદદથી દર્દી મોઢામાં સ્પ્રે કરીને ઓકસીજન લઇ શકે છે. આ બોટલનું વેચાણ કંપનીની વેબસાઇટ swasa.in પર શરૂ થઇ ગયું છે. રોજની ૧૦૦૦ બોટલનું ઉત્પાદન થઇ રહ્યું છે.

આ બોટલ કોરોના ઉપરાંત અસ્થમા દર્દીઓ, ઉંચી જગ્યાઓ પર તહેનાત સૈનિકો માટે પણ બહુ કામની છે. આ ઉપરાંત તેને મેડીકલ કીટમાં પણ સરળતાથી રાખી શકાય છે. જો દર્દીઓનું ઓકસીજન લેવલ અચાનક ઘટી જાય તો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આ બોટલ કારગત રહેશે.

(11:34 am IST)