મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

NEETની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફારઃ હવે ચાર વિષયોમાં ૨૦૦ પ્રશ્નો પુછાશે:૧૮૦ પ્રશ્નોના જવાબના ૭૨૦ માર્કસ ગણાશે

નવી પેટર્ન મુજબ કુલ ચાર વિષયની પરીક્ષામા દરેક વિષયમાં સેકશન એ-માં ૩૫ અને સેકશન -બીમાં ૧૫ પ્રશ્નો હશે

ધો.૧૨ સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ (નેશનલ એલેજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-NEET)માં આ વર્ષે મોટો ફેરફાર કરવામા આવ્યો છે અને પરીક્ષા પદ્ધતિ જ બદલી દેવાઈ છે.જે મુજબ હવે ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે પરંતુ વિદ્યાર્થીએ જવાબ ૧૮૦ પ્રશ્નોના જ આપવાના રહેશે અને પરીક્ષા કુલ ૭૨૦ માર્કસની જ રહેશે.

  નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૨૦૨૧ની નીટ માટેની નવી એક્ઝામ પેટર્ન જાહેર કરવામા આવી છે.જે મુજબ હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂલોજી સહિતના ચાર વિષયોની પરીક્ષા રહેશે.અગાઉ ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ વિષયમાં પરીક્ષા લેવાતી હતી.અગાઉ દરેક વિષયમાં ૬૦-૬૦ પ્રશ્નો હતા અને કુલ ત્રણ સેશન સાથે ૧૮૦ પ્રશ્નો હતા.જેમાં દરેક પ્રશ્નના ૪ માર્કસ સાથે ૭૨૦ માર્કસની પરીક્ષા હતી.આ વર્ષની પરીક્ષામાં નવી પેટર્નમાં કુલ માર્કસ ૭૨૦ જ રાખવામા આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને હવે કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે જેમાં પરીક્ષા ૧૮૦ પ્રશ્નોની જ રહેશે. પરંતુ ૨૦ પ્રશ્નો વધારાના હશે. નવી પેટર્ન મુજબ કુલ ચાર વિષયની પરીક્ષામા દરેક વિષયમાં સેકશન એ-માં ૩૫ અને સેકશન -બીમાં ૧૫ પ્રશ્નો હશે.

આમ દરેક વિષયમાં સેકશન એ અને બી સાથે ૫૦ પ્રશ્નો સહિત ચાર વિષયના કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે.પરંતુ વિદ્યાર્થી દરેક વિષયમાં સેકશન-બીમાં ૧૫ પ્રશ્નોમાંથી કોઈ પણ ૧૦ પ્રશ્ન પસંદ કરી શકશે. સેકશન -એના ૩૫ પ્રશ્નોના ૧૪૦ માર્કસ અને સેકશન -બીના ૧૫ પ્રશ્નોના ૪૦ માર્કસ હશે. ૧૫માંથી ૧૦ પ્રશ્નો ગણાશે.જેથી ૧૦ પ્રશ્નોના પ્રશ્ન દીઠ ૪ માર્કસ સાથે ૪૦ માર્કસ ગણાશે. કુલ ૨૦૦ પ્રશ્નોમાંથી વિદ્યાર્થીએ ૧૮૦ જ એેટેન્ડ કરવાના રહેશે અને કુલ ૭૨૦ માર્કસની જ પરીક્ષા રહેશે.પરંતુ આ નવી પેટર્નમાં વિદ્યાર્થીને બાયોલોજીના બદલે ઝુલોજી અને બોટનીના અલગ અલગ પ્રશ્નો પુછાશે.જે અગાઉ બાયોલોજીમાં જ પુછવામા આવતા હતા. આ વખતની પરીક્ષા પણ ત્રણ કલાકની એમસીક્યુ આધારીત રહેશે અને આ વખતની નીટ ગુજરાતી,હિન્દી, અંગ્રેજી સહિતની કુલ ૧૩ ભાષામા લેવાશે.

નેશનલ ટેસ્ટિૅગ એજન્સી દ્વારા નીટ-૨૦૨૧નો પરીક્ષા કાર્યક્રમ આજે જાહેર કરાયો છે.જે મુજબ ૧૨મી સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે અને ૧૩ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. ૭ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ફી ભરી શકશે.૮ થી૧૨ ઓગસ્ટ સુધી ફોર્મમાં ફેરફાર થઈ શકશે અને ૨૦ ઓગસ્ટે પરીક્ષા શહેરની જાહેરાત થશે. પરીક્ષાના ૩ દિવસ પહેલા એડમિટ કાર્ટ જાહેર થશે.

(12:24 pm IST)