મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પાકિસ્તાનમાં આતંકી હુમલો : છ ચાઈનીઝ એન્જિનિયરો સહીત 10 લોકોના મોત : અનેક લોકો ઘાયલ

ડેમના નિર્માણમાં કાર્યરત ચાઈનીઝ નાગરિકો, કર્મચારી અને સુરક્ષાગાર્ડને લઇ જતી બસમાં બ્લાસ્ટ :બસમાં 30 ચાઇનીઝ એન્જિનિયરો સવાર હતા :મૃતકોમાં અર્ધ સૈનિક દળના બે સુરક્ષા કર્મચારી પણ શામેલ

પાકિસ્તાનમાં મોટા પાયે થયેલા આંતકી હુમલામાં 6 ચાઈનિઝ એન્જિનિયરો સહિત 10ના મોત થયા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાં એક ડેમનું બાંધકામ ચાલી રહ્યું છે અને તેમાં ચીનની કંપની પણ કામ કરી રહી છે. આમ આ ડેમના બાંધકામમાં ચાઈનિઝ નાગરિકો પણ સામેલ છે.

આજે ચાઈનિઝ નાગરિકો અને બીજા કર્મચારીઓ તથા સુરક્ષા કરી રહેલા સૈનિકો એમ 30 લોકોને લઈ જઈ રહેલી બસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. આ પૈકી 6 ચાઈનિઝ એન્જિનિયર પણ છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરનારાઓનો આંકડો વધી શકે છે.

વિસ્ફોટકોની તિવ્રતા કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખૈબર પખ્તૂનવામાં પાક સેના પર આતંકી હુમલો થયો હતો અને તેમાં પાક સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત 12 જવાનોના મોત થયા હતા અને બીજા 15 જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાનમાં બીજા આતંકી હુમલો થયો છે. જોકે બસ વિસ્ફોટ માટે કોણ જવાબદાર છે તે હજી સામે આવ્યુ નથી.

(12:51 pm IST)