મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

કેન્દ્રીય કર્મચારીઓ માટે 'અચ્છે દિન' : મોંઘવારી ભથ્થાને બહાલી

કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે સરકારે પોતાના કર્મચારીઓને આપી મોટી ગીફટ : પેન્શનરોને પણ થશે ફાયદો : મોંઘવારી ભથ્થુ ૧૭% થી વધારી ૨૮% કરી દેવામાં આવ્યું : ૧૧%નો બમ્પર વધારો : દોઢ વર્ષથી ડીએ ફ્રીઝ થયું હતું : કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને આજે એક મોટી ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પોતાના ૫૦ લાખથી વધુ કર્મચારી અને પેન્શર્સનું ડીએ બહાલ કર્યું છે એટલું જ નહિ કર્મચારીઓને મળતી મોંઘવારી ભથ્થુ ૧૭ ટકાથી વધારી ૨૮ ટકા કરી દીધું છે. એટલે કે ડીએમાં કુલ ૧૧ ટકાનો બમ્પર વધારો થયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. સરકારે આજે મોંઘવારી ભથ્થા પર લાગેલી દોઢ વર્ષની રોક હટાવી લીધી છે. એટલું જ નહિ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો પણ કર્યો છે.

જાન્યુઆરી ૨૦૨૦માં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૪ ટકા વધ્યું હતું તે પછી જુન ૨૦૨૦માં તેમાં ૩ ટકાનો વધારો થયો હતો. જાન્યુઆરી ૨૦૨૧માં તે વધુ ૪ ટકા વધ્યું હતું. આ રીતે ડીએ ૧૭ ટકાથી વધી ૨૮ ટકા થવાથી કર્મચારીઓને ઘણો લાભ થશે. જો કે સરકારે ગયા જાન્યુઆરીથી તેના ઉપર પ્રતિબંધ મુકયો હતો. હવે ત્રણ હપ્તા પર લાગેલી રોક હટાવી લેવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે સરકારે ડીએ ફ્રીઝ કરી દીધું હતું. સાથે જ પૂર્વ કર્મચારીઓના ડીઆરના હપ્તાનું પણ ચુકવણુ થયું હતું.

સરકારે ડીએ બહાલ કરતા કર્મચારી વર્ગને મોંઘવારીમાં રાહત મળશે. કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ તથા ડીઆરના છેલ્લા ચાર હપ્તા નથી મળ્યા. સરકારે ૧લી જુલાઇ ૨૦૨૦, જાન્યુઆરી ૨૦૨૧થી લઇને જુલાઇ ૨૦૨૧ સુધી ડીએ રોકી રાખ્યું હતું.

ડીએ વધતા કર્મચારીને હવે બમ્પર પગાર વધારો મળશે. ૫૦ લાખથી વધુ કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોને ફાઇદો થશે. સપ્ટેમ્બરમાં કર્મચારીઓને બધુ ડીએ એક સાથે આપવામાં આવે તેવી શકયતા છે.

(3:10 pm IST)