મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ

કમલનાથ બની શકે છે કાર્યકારી અધ્યક્ષઃ રાહુલ ગાંધી સંસદમાં સંભાળી શકે છે સુકાન

નવી દિલ્હી, તા.૧૪: વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સંસદીય રણનીતિક ગ્રુપની બેઠક બોલાવી છે. જેમાં કેટલાય મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા કમલનાથને મોટી જવાબદારી મળી શકે છે. તથા તેમને કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે. જણાવી દઈએ કે કમલનાથ ગાંધી પરિવારના નજીકના નેતા મનાય છે. તથા કેટલાય એવા અવસર આવ્યા છે જયારે કમલનાથ સંકટમોચક બન્યા છે.

કોંગ્રેસના સંસદીય રણનીતિક સમૂહની બેઠકમાં પાર્ટીના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્થાઈ અધ્યક્ષ બનાવી શકે છે. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯નાં લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડ્યુ હતું. ત્યાર બાદ સોનિયા ગાઁધી પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ બન્યા હતા. જો કે હજૂ સુધી કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળ્યા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ૧૯ જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા અધીર રંજન ચૌધરીની જગ્યાએ રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા બનાવી શકે છે. જો કે, તેનો નિર્ણય સંસદીય સમિતિની બેઠકમાં લેવાઈ શકે છે. તથા એ વાત પર નિર્ભર છે કે, રાહુલ ગાંધી પાર્ટીનું નેતૃત્વ સંસદમાં કરવા માટે તૈયાર થાય છે કે કેમ !

જણાવી દઈએ કે, આ અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કયાસ લગાવામાં આવી રહ્યો છે કે, પ્રશાંત કિશોર ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી માટે કોઈ મોટી યોજના બનાવી રહ્યા છે.

(3:31 pm IST)