મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પીએમ નરેન્દ્ર મોદી સામે વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી : શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત

મહારાષ્ટ્રના રાજકારણમાં છાશવારે નવા રંગ : શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતએ ફરી પીએમના ભરપૂર વખાણ કરતા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાની ચર્ચા

મુંબઈ, તા.૧૪ : મહારાષ્ટ્રના રાજકારણમાં છાશવારે નવા નવા રંગ જોવા મળી રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત આજે પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા છે.જેના પગલે ફરી એક વખત  રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.

રાઉતે કહ્યુ હતુ કે, પીએ મોદી સામે વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી.મારુ માનવુ છે કે, નરેન્દ્ર મોદી દેશ અને ભાજપના ટોચના નેતા છે અને વાતને કોઈ નકારી શકે તેમ નથી.છેલ્લા સાત વર્ષમાં ભાજપને જે પણ સફળતા મળી છે તે માત્ર નરેન્દ્ર મોદીના કારણે છે.

શિવસેના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી વિપક્ષ પાસે પીએ મોદીનો સામનો કરવા માટે કોઈ યોગ્ય ચહેરો નહીં હોય ત્યાં સુધઈ કોઈ વિપક્ષ માટે કોઈ ચાન્સ નથી.જોકે સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે ,પીએમ મોદીનો મુકાબલો કરવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ૨૦૨૪માં કોઈ મોટા ચહેરા વગર પીએમ મોદીને હરાવવા મુશ્કેલ હશે.મોદી સામે શરદ પવાર વિકલ્પ છે.રાહુલ ગાંધી મોટા કોંગ્રેસી નેતા છે પણ તેમનાથી મોટા નેતાઓ હજી ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર ૨૦૨૪ની ચૂંટણી માટે ભાજપ સામે તમામ વિપક્ષને એક મંચ પર લાવવા માંગે છે ત્યારે સંજય રાઉતનુ નિવેદન આવ્યુ છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ૨૦૨૪માં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે.આજે ફરી એક વખત મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના સાહેબ પટોળેએ વાતનુ એલાન કર્યુ હતુ.

(7:36 pm IST)