મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

તથ્ય વગરના નિવેદનોથી લોકોમાં ડર પેદા કરાય છે

રાહુલના નિવેદન પર કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો પ્રહાર : સરકાર વેક્સિનના ડોઝને લઈ રાજ્યોને અગાઉથી માહિતી આપતી હોવા છતાં ભ્રામક ડર ઊભો કરાતો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૧૪ : કોરોના વેક્સીનની અછતને લઈને રાહુલ ગાંધી દ્વારા સરકારની વારંવાર ટીકા કરવામાં આવી રહી છે.તેના પર હવે કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યુ છે.

તેમણે કહ્યુ  છે કે, લોકોમાં ડર પેદા કરવા માટે અર્થહીન નિવેદનો આપવામાં આવી રહ્યા છે.વેક્સીનની ઉપલબ્ધતા અંગે મને રાજ્ય સરકારો તેમજ નેતાઓના નિવેદન તથા પત્રોથી જાણકારી મળી છે.જે હકીકત છે તેના આધારે સ્થિતિને વધારે સારી રીતે સમજી શકાય તેમ છે.તથ્ય વગરના નિવેદનો લોકોમાં ડર પેદા કરવા માટે અપાઈ રહ્યા છે.

માંડવિયાએ આગળ કહ્યુ હતુ કે, સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલો થકી રસીકરણ થઈ શકે તે માટે જુન મહિનામાં ૧૧.૪૬ કરોડ વેક્સીનના ડોઝ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યા હતા અને જુલાઈ મહિનામાં તે વધારીને ૧૩.૫૦ કરોડ કરવામાં આવ્યા છે.રાજ્યોને વેક્સીનના કેટલા ડોઝ જુલાઈ મહિનામાં મળશે તેની જાણકારી એડવાન્સમાં કેન્દ્ર સરકારે રાજ્યોને આપી દીધી હતી.રાજ્યોને સારી રીતે ખબર છે કે, તેમને કેટલા ડોઝ મળવાના છે.આવુ એટલા માટે કરાયુ છે કે, રાજ્ય સરકારો પોતાના વેક્સીનેશન માટે એડવાન્સમાં આયોજન કરી શકે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, જો સરકાર એડવાન્સમાં જાણકારી આપતી હોય અને તેમ છતા વેક્સીનેશન સેન્ટરો પર લાઈનો લાગતી હોય તો બહુ સ્પષ્ટ છે કે, સમસ્યા શું છે અને તેની પાછળનુ કારણ શું છે.મીડિયામાં ભ્રમ ફેલાવતા નિવેદન આપનારા નેતાઓએ આત્મનિરિક્ષણ કરવાની જરુર છે અને વિચારવાની જરુર છે કે, પહેલેથી વેક્સીન સપ્લાય અંગે અપાતી જાણકારી અંગે તેમને કેમ કશી ખબર નથી.

(7:39 pm IST)