મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

શેર માર્કેટના બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ 62 વર્ષની ઉંમરે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો

ઝુનઝુનવાલા અને તેમની પત્નીના 45.97 ટકા શેર: અત્યારે આટલી છે ઝુનઝુનવાલાની નેટવર્થ : અકાસા એરે શરૂ કરી કામગીરી: અકાસા એરમાં સૌથી મોટી ભાગીદારી રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની છે.

શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે. તેમને 2-3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દિગ્ગજ કારોબારી ઝુનઝુનવાલાના નિધનની પુષ્ટિ બ્રીચ કેન્ડી હોસ્પિટલે કરી છે. તેમને આજે સવારે 6 વાગીને 45 મિનિટ પર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલાને ભારતનો વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા બાદ બિગબુલ એરલાઈન્સ સેક્ટરમાં પણ ઉતર્યા હતા. તેમણે નવી એરલાઈન કંપની એકાસા એરમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી દીધી છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારા ઝુનઝુનવાલા પાસે આજે હજારો કરોડો રૂપિયાની સંપત્તિ છે. જોકે, મજાની વાત એ છે કે આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.

અકાસાની પહેલી કોમર્શિયલ ફ્લાઇટે મુંબઇથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. વિમાન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસા એરની પહેલી ઉડાનના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યા હતા. તેમણે અકાસાની પહેલી કોમર્શિયલ ઉડાનને લીલી ઝંડો દેખાળ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. અકાસા એરે 13 ઓગસ્ટથી અન્ય ઘણા રૂટ પર તેની સેવા શરૂ કરી છે.

અકાસા એરમાં સૌથી મોટી ભાગીદારી રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની છે. બંનેની એરલાઈન કંપનીમાં કુલ ભાગીદારી 45.97 ટકા છે. આ ઉપરાંત વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભટકુલી, પીએઆર કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ અકાસા એરના પ્રમોટર છે. રાકેશ ઝુનઝુનવાલા બાદ તેમાં વિનય દુબેની ભાગીદારી 16.13 ટકા છે. અકાસા એરે 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી સેવા શરૂ કરી હતી. ત્યારે 19 ઓગસ્ટથી બેંગ્લોર-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે પોતાની સર્વિસ શરૂ કરવાના હતા.

ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની આવકનો મુખ્ય સ્ત્રોત શેર માર્કેટ છે. ઝુનઝુનવાલાની આ સફળ કહાનીની શરૂઆત માત્ર પાંચ હજાર રૂપિયાથી થઈ હતી. આજે તેમની નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. આ સફળતાના કારણે ઝુનઝુનવાલાને ઇન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ અને ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. જ્યારે સામાન્ય ઇન્વેસ્ટર્સ શેર બજારમાં પૈસા ગુમાવી રહ્યા હોય છે, ત્યારે ઝુનઝુનવાલા તે સમયે પણ કમાણી કરવામાં સફળ રહેતા હતા.

(11:12 am IST)