મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

સંતો અને વિદ્વાનોનો એક વર્ગ ‘હિન્દુ રાષ્ટ્રના રૂપમાં ભારતના બંધારણ’નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

હિન્દુ રાષ્ટ્ર બંધારણ અનુસાર દિલ્હીની જગ્યાએ વારાણસી દેશની રાજધાની હશે. આ સિવાય કાશીમાં ધર્મ સંસદ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

વારાણસીઃ સંતો અને વિદ્વાનોનો એક વર્ગ ‘હિન્દુ રાષ્ટ્રના રૂપમાં ભારતના બંધારણ’નો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યો છે. માધ મેલા 2023 દરમિયાન આયોજીત થનાર ધર્મ સંસદમાં તેને રજૂ કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજીત થયેલા માધ મેળા દરમિયાન ભારતને પોતાના સ્વયંના બંધારણની સાથે એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ધર્મ સંસદમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. વારાણસી સ્થિત શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષ સ્વામી આનંદ સ્વરૂપે કહ્યુ કે, હવે શામ્ભવી પીઠાધીશ્વરના સંરક્ષણમાં 30 લોકોના સમૂહ દ્વારા આ બંધારણનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું, બંધારણ 750 પેજનું હશે અને તેના સ્વરૂપ પર હવે વ્યાપક રૂપથી ચર્ચા કરવામાં આવશે. ધાર્મિક વિદ્વાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વિચાર-વિમર્શ બાદ વાદ-વિવાદ થશે. આ આધાર પર પ્રયાગરાજમાં યોજાનાર માધ મેળા 2023માં અડધુ બંધારણ (આશરે 300 પેજ) જાહેર કરવામાં આવશે, જે માટે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી 32 પેજ તૈયાર કરી લેવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ, સુરક્ષા, કાયદો વ્યવસ્થા, મતદાનની વ્યવસ્થા સહિત અન્ય વિષયો સાથે જોડાયેલા મુદ્દા સામેલ છે. તેમણે કહ્યું- આ હિન્દુ રાષ્ટ્ર બંધારણ અનુસાર દિલ્હીની જગ્યાએ વારાણસી દેશની રાજધાની હશે. આ સિવાય કાશીમાં ધર્મ સંસદ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

ડ્રાફ્ટ તૈયાર કરનાર સમૂહમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સમિતિના પ્રમુખ કમલેશ્વર ઉપાધ્યાય, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બીએન રેડ્ડી, રક્ષા નિષ્ણાંત આનંદ વર્ધન, સનાતન ધર્મના વિદ્વાન ચંદ્રમણિ મિશ્રા અને વિશ્વ હિન્દુ મહાસંઘના અધ્યક્ષ અજય સિંહ સહિત અન્ય લોકો સામેલ છે.

કવર રેજ પર અખંડ ભારતનો નક્શો છે. સ્વરૂપે કહ્યુ, ‘તે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર જેવા અન્ય દેશોને ભારતથી અલગ કરી દેવામાં આવ્યા છે, જેનો એક દિવસ વિલય થઈ જશે.’ દસ્તાવેજ પર વિસ્તારથી જણાવતા સ્વરૂપે કહ્યુ કે, દરેક જાતિના લોકોને રાષ્ટ્રમાં રહેવાની સુવિધા અને સુરક્ષા મળશે અને અન્ય ધાર્મિક ધર્મોના લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

તેમણે કહ્યું, ‘હિન્દુ રાષ્ટ્રના બંધારણના ડ્રાફ્ટ અનુસાર મુસ્લિમ અને ઈસાઈને મત આપવાનો અધિકાર છોડી એક સામાન્ય નાગરિકના તમામ અધિકારોનો આનંદ લેશે.’ સ્વરૂપે કહ્યું કે દેશમાં વ્યવસાય કરવા, રોજગાર મેળવવા, શિક્ષણ અને કોઈપણ સામાન્ય નાગરિક દ્વારા પ્રાપ્ત તમામ સુલવિધાઓનો લાભ ઉઠાવવાની આઝાદી હશે. પરંતુ તેમને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્વરૂપ અનુસાર નાગરિકોને મતદાનનો અધિકાર 16 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ પ્રાપ્ત થશે જ્યારે ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધર્મ સંસદ માટે કુલ 543 સભ્યોની ચૂંટણી કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે દંડની સિસ્ટમ ત્રેતા અને દ્વાપર યુગ પર આધારિત હશે. તેમણે કહ્યું કે ગુરૂકુળ સિસ્ટમને ફરી સક્રિય કરવામાં આવશે અને આયુર્વેદ, ગણિત, નક્ષત્ર, ભૂગર્ભ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવશે. આ સિવાય દરેક નાગરિકને ફરજીયાત સૈન્ય તાલિમ મળશે અને કૃષિને સંપૂર્ણ કર મુક્ત કરી દેવામાં આવશે.

(3:29 pm IST)