મુખ્ય સમાચાર
News of Tuesday, 14th September 2021

માંડ માંડ બચ્યા ૨૦૦ પ્રવાસીઓ

મસૂરીમાં ભારે વરસાદથી કેમ્પ્ટી ફોલમાં અચાનક આવ્યું પૂર

મસૂરી તા. ૧૪ : ઉત્તરાખંડના મસૂરીમાં આવેલ કેમ્પ્ટી ફોલમાં સોમવારે ૨૦૦થી વધારે પર્યટકો દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગયા. કેમ્પ્ટી ફોલના ઉંચાણવાળા વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ પછી ફોલમાં અચાનક પાણી વધી ગયું અને અહીં પાણીની જોરદાર ધાર વહેવા લાગી. આ ધાર એટલી શકિતશાળી હતી કે જો ભૂલથી પણ કોઇ તેની ઝપટમાં આવી જાય તો તેનું નામ નિશાન મળવું મુશ્કેલ હતું.

જો કે સ્થાનિક પોલિસને પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પછી આનો અંદાજ આવી ગયો હતો. પોલિસ અને પ્રશાસને તાત્કાલિક ફોલમાં નહાઇ રહેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

કેમ્પ્ટી ફોલમાં સોમવારે ૪ વાગ્યાની આસપાસ પર્યટકો બરાબર મસ્તી કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં પર્યટકો ફોલની નીચે અને ઝીલમાં નહાઇ રહ્યા હતા. તેમને પર્વતીય વિસ્તારોમાં થયેલ ભારે વરસાદનો જરા પણ અંદાજ નહોતો. પણ કેમ્પ્ટીના ઉંચાણવાળા સ્થળોએ થયેલ ભારે વરસાદની માહિતી અહીંના પોલિસ સ્ટેશનના વડાને મળી ગઇ હતી.

તેઓ તાત્કાલિક પોલિસ દળ સાથે કેમ્પ્ટી પહોંચ્યા અને ત્યાં નહાઇ રહેલા પર્યટકોને ઝીલમાંથી બહાર કાઢયા અને ત્યાં આસપાસમાં ફરી રહેલા સહેલાણીઓને પણ સુરક્ષિત સ્થાન પર મોકલી આપ્યા.

પોલિસ કેમ્પ્ટી ફોલમાં નહાઇ રહેલા લગભગ ૨૦૦થી વધારે પર્યટકો અને સ્થાનિક લોકોને સુરક્ષિત બહાર કાઢયા જ હતા કે ત્યાં જાણે પૂર આવી ગયું હોય તેવી સ્થિતિ થઇ ગઇ. પળવારમાં જ પાણીનું વહેણ પ્રલયકારી બની ગયું. ઉંચાઇવાળા સ્થળોએ થયેલ વરસાદનું પાણી વહીને જ્યારે નીચે આવ્યું તો તેનો વેગ બહુ ભયંકર હતો. જેને જોઇને ત્યાં ઉપસ્થિત પર્યટકો કાંપી ઉઠયા. પોલીસ દ્વારા જો થોડુંક મોડું થયું હોત તો અહીં ભયંકર દુર્ઘટના થઇ હોત પણ સ્થાનિક પોલિસે પહેલ કરીને ઝડપથી કામગીરી કરીને લોકોને બચાવી લીધા.

(11:35 am IST)