મુખ્ય સમાચાર
News of Tuesday, 14th September 2021

પટેલનું મંત્રીમંડળ ગુરૂવારે શપથ લેશે : નામો અંગે સસ્પેન્સ

સાંજ સુધીમાં મંત્રીમંડળમાં કોનો સમાવેશ થવાનો છે તે અંગે સ્પષ્ટતા થાય તેવી શકયતા : રૂપાણી સરકારના કેટલા મંત્રીઓ ભૂપેન્દ્રભાઇ પટેલની ટીમમાં હશે અને કેટલાની બાદબાકી થશે તેને લઈને અટકળો તેજઃ નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ હશે કે નહીં તેને લઈને હાલ કોઈ કશુંય કહેવા તૈયાર નથી

નવી દિલ્હી, તા.૧૪: નવનિયુકત સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલનું મંત્રીમંડળ ગુરુવારે શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી સોમવારે શપથ લઈ ચૂકયા છે, પરંતુ હજુ સુધી તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ હશે તેની કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. હવે નવા મંત્રીમંડળના શપથગ્રહણની તારીખ જાહેર કરી દેવાઈ છે ત્યારે કોને તેમાં એન્ટ્રી મળશે, અને કોની એકિઝટ થશે તેને લઈને પણ જાતભાતની અટકળો શરુ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો, આજે સાંજ સુધીમાં નામો જાહેર થઈ શકે છે. પૂર્વ સીએમ વિજય રુપાણીએ ૧૧ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવાયા હતા.

ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારમાં કોનો-કોનો સમાવેશ થશે તે અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રવિવારે જણાવ્યું હતું કે, સિનિયર ધારાસભ્યોના અનુભવનો લાભ મળે તે રીતે મંત્રીમંડળ બનાવાશે. જોકે, તેમાં કોનો સમાવેશ થશે તે અંગે પાટીલે કોઈ ફોડ નહોતો પાડ્યો. મંત્રીઓના નામ નક્કી કરવા માટે ગઈકાલે અમિતભાઇ શાહે પક્ષના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, દિલ્હીથી નવા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે, અને તેમાં પણ સરપ્રાઈઝ જોવા મળે તો નવાઈ નહીં.

નવા મંત્રીમંડળમાં જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાટીદારોએ થોડા સમય પહેલા જ સીએમ પાટીદાર હોવા જોઈએ તેવી માગ કર્યા બાદ અચાનક રુપાણીએ રાજીનામું આપ્યું હતું. ભૂપેન્દ્રભાઇ પટેલને સીએમ બનાવી ભાજપ પટેલ વોટબેંકને સાચવવા માગે છે તેવો સ્પષ્ટ સંદેશ જતાં અન્ય જ્ઞાતિના લોકો નારાજ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન નવા મંત્રીમંડળના સભ્યોની પસંદગી વખતે રાખવામાં આવશે.

રૂપાણી સરકારમાં નીતિનભાઇ પટેલ તેમના ડેપ્યુટી હતા. જોકે, આ વખતે માત્ર સીએમે જ શપથ લીધા છે, અને ભાજપે ડેપ્યુટી સીએમ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. નીતિન પટેલ પોતાને સીએમ ના બનાવાતા નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ વખતે તેમને ડેપ્યુટી સીએમ કે મંત્રીનું પદ મળે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે. એવી પણ ચર્ચા છે કે, ઓબીસીને પણ ડેપ્યુટી સીએમ બનાવાઈ શકાય છે.

રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કેટલાક જૂના જોગીઓ નવી સરકારમાં હશે કે નહીં તેનો જવાબ હાલ કોઈની પાસે નથી. અટકળો અનુસાર, કેટલાક વરિષ્ઠ નેતાઓને પડતા મૂકી તેમના સ્થાને યુવા નેતાઓને જગ્યા આપવામાં આવી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કેટલાક મંત્રીઓએ તો સચિવાલયમાં પોતાની ઓફિસમાંથી સામાન હટાવવાનું પણ ચાલુ કરી દીધું છે. સૂત્રોનું માનીએ તો, ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું કદ તેમના પુરોગામી કરતાં નાનું હોય તો પણ નવાઈ નહીં. જોકે, આ બધાય પ્રશ્નોનો જવાબ ગુરુવારે જ મળી શકશે.

(3:14 pm IST)