મુખ્ય સમાચાર
News of Wednesday, 14th October 2020

ભાજપ શાસિત કર્ણાટક અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ ભારે મુશ્કેલીમાં? વધુ એક રાજયના મુખ્યમંત્રીને હાઈ કમાન્ડે કામગીરી સુધારવા તાકીદ કરી

નવી દિલ્હી : ભાજપ શાસિત કર્ણાટક અને ત્રિપુરા રાજયના બે મુખ્યમંત્રીઓની ખુરશી હાલક - ડોલક થઈ રહ્યાનું જાણવા મળે છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આ બંને રાજયોમાં ભાજપમાં આંતરીક વિખવાદ ચરમ સીમાએ છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી યેદુરપ્પા સામે કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગયાના તેમના સાંસદ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. હવે અતિ ગંભીર આક્ષેપો તેમની સામે બહાર આવ્યા છે જેમા યેદુરપ્પાના પૌત્રને ૭ કલકત્તા સેલ કંપનીઓ પાસેથી ૫ કરોડ રૂ. મળ્યાના આક્ષેપ થયા છે.

જયારે ત્રિપુરામાં ૮ ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિપ્લવદેવ સામે બળવો પોકાર્યો છે અને તેમને હટાવવા દિલ્હીમાં ધામા નાખ્યા છે. વિપ્લદેવને તેમણે સરમુખત્યાર ગણાવ્યા છે અને પ્રજામાં અપ્રિય અને અનુભવ વિનાના હોવાનું કહ્યુ છે. આ ઉપરાંત વધુ એક મુખ્યમંત્રી સરકારની આકરી ચેતવણી ઉપર સરકાર ચલાવી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે આ મુખ્યમંત્રીને સ્પષ્ટ સુચના આપી છે કે કા તમારી કામગીરી સુધારો નહિં તો પદ છોડી દયો. (ન્યુઝ ફર્સ્ટ)

(12:14 pm IST)