મુખ્ય સમાચાર
News of Wednesday, 14th October 2020

1992 બાદ અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પહેલા એવા રાષ્‍ટ્રપતિ હશે જેઓ ફરીથી રાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટાઇ શકશે નહીં: ઇતિહાસના પ્રોફેસર એલન લિચમેનની આગાહી

વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની ભવિષ્યવાણી તો ઘણા લોકો કરે છે. પરંતુ હાલ બધાની નજર એક વ્યક્તિ પર છે. આ વ્યક્તિ 1984થી એકદમ સટીક ભવિષ્યવાણી કરે છે. તેમનું નામ એલન લિચમેન છે. ઈતિહાસના પ્રોફેસર લિચમેનની ગણના કેટલાક ગણતરીના વિશેષજ્ઞોમાં થાય છે જે રાષ્ટ્રપતિની ચૂંટણીની ભવિષ્યવાણી કરે છે. છેલ્લા 35 વર્ષથી તેમણે કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે. આ વર્ષે વ્હાઈટ હાઉસની રેસ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ લિચમેને ચૂંટણી ભવિષ્યવાણી માટે  ‘The Keys to the White House’ નામની એક સિસ્ટમ વિક્સિત કરી છે. જેને  13 Keys’ મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે આ માટે 13 સવાલો એટલે કે મુદ્દાઓનું મોડલ તૈયાર કર્યું છે. જેમનો તેઓ સાચા કે ખોટાના આધારે જવાબ આપે છે. ત્યારબાદ તેના દ્વારા જ તેઓ આગામી રાષ્ટ્રપતિની ભવિષ્યવાણી કરે છે. આ મોડલ મુજબ જો મોટાભાગના સવાલોના જવાબ 'હા' મળે તો હાલના રાષ્ટ્રપતિ જ ચૂંટાઈ આવે છે. જો જવાબ 'ના' માં મળે તો અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળે છે.

કોણ હશે 2020ના વિજેતા

લિચમેનનું કહેવું છે કે આ વર્ષે તેમણે પોતાના 13 Keys’ મોડલમાં 7 સવાલોના જવાબ 'ના' અને 6 સવાલોના જવાબ 'હા'માં મળ્યા છે. તેમના જણાવ્યાં મુજબ '1992 બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે, જેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકશે નહીં. 1992માં બિલ ક્લિન્ટને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને હરાવ્યા હતા.'

ડોનાલ્ડ ટ્રમ્પનો બિડેન પર કટાક્ષ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોરોનાને માત આપીને ચૂંટણી પ્રચારમાં પાછા ફર્યા છે. તેમણે આ દરમિયાન પોતાના હરિફ જો બિડેનની મજાક પણ ઉડાવી. તેમણે બિડેન પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા બદલ કટાક્ષ કર્યો. આ સાથે જ 3 નવેમ્બરે પોતાની જીતનો દાવો કર્યો. કહેવાય છે કે ટ્રમ્પની રેલીઓ અમેરિકામાં કોરોના વાયરસ ફેલાવવાનો ગઢ બની શકે છે. જો કે ટ્રમ્પે તેમના પર કહ્યું કે 'હું ખુબ શક્તિશાળી મહેસૂસ કરી રહ્યો છું. હું દર્શકો વચ્ચે જઈશ.'

એક કરોડ મત પડી ચૂક્યા

અમેરિકાના મતદારોએ રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ જ લગભગ એક કરોડ મત નાખી દીધા છે. એક સ્ટડીમાં દાવો કરાયો છે. કહવાય છે કે નિર્ધારિત તારીખ અગાઉ જ આટલા મત પડી જવાનું કારણ કોરોના વાયરસ મહામારી છે. લોકો સુરક્ષિત થઈને મતદાન કરવા માંગે છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના જણાવ્યાં મુજબ 2016માં 16 ઓક્ટોબર સુધી 14 લાખ મત પહેલા જ પડી ગયા હતાં.

(4:51 pm IST)