મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં હુમલો

હાથમાં ધનુષ-બાણ લઈને હુમલાખોરે પાંચ લોકોને ઉતાર્યાં મોતને ઘાટઃ અનેક ઘાયલ

ઓસ્લો,તા.૧૪: નોર્વેની રાજધાની ઓસ્લો પાસે એક વ્યકિતએ ધનુષ-બાણથી હુમલો કરીને આશરે પાંચ લોકોની હત્યા કરી નાખી છે. આ સાથે જ અનેક લોકો દ્યાયલ થયા છે. નોર્વો પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. કોંગ્સબર્ગ શહેર ના પોલીસ પ્રમુખ ઓયવિન્ડ આસે બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે, જયારે અનેક લોકો ઘાયલ થયા છે.

ઓયવિન્ડ આસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હુમલા માટે હુમલાખોરે ધનુષ બાણનો ઉપયોગ કર્યો હતો. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે હુમલામાં અન્ય કોઈ હથિયારોનો ઉપયોગ થયો હતો કે કેમ. પોલીસના કહેવા પ્રમાણે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરે એકલા જ તમામ હત્યાને અંજામ આપ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે ઘટનામાં ઓફ-ડ્યૂટી પોલીસ ઓફિસર પર ઘાયલ થયો છે. નોર્વેથી સામે આવેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક દીવાલમાં તીર ફસાયેલું છે. આ બનાવ નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં બન્યો છે. આ શહેર નોર્વેની રાજધાની ઓસ્લોથી ૬૮ કિલોમીટર દૂર આવેલું છે. આ શહેરની વસ્તી આશરે ૨૮,૦૦૦ છે

ઉલ્લેખનીય છે કે નોર્વેમાં ૨૦૧૧ પછી આ એવો પહેલો હુમલો છે જયારે આટલા લોકોએ જીવ ગુમાવ્યો હોય. આ પહેલા ૨૦૧૧માં દક્ષિણપંથી અને ચરમપંથી એન્ડર્સ બેહરિંગે ૭૭ લોકોની હત્યા કરી નાખી હતી. માર્યા ગયેલા મોટાભાગના લોકો એક યૂથ કેમ્પમાં હાજર હતો.

(9:49 am IST)