મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

કાશ્મીર કયારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બને , ભલે મને ગોળી મારી દેવામાં આવે : ફારૂક અબ્દુલ્લા

ભારતમાં ભાગલા પાડવાનું રાજકારણ રોકવું પડશે નહીં તો દેશ બચશે નહીં : દેશમાં નફરતનું તોફાન ચાલી રહ્યુ છે

શ્રીનગર,તા.૧૪: નેશનલ કોન્ફરેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ગઇ કાલે અહીં કહ્યું કે, કાશ્મીર કયારેય પણ પાકિસ્તાનનો હિસ્સો નહીં બને, કારણ કે અમે ભારતનો હિસ્સો છીએ અને રહીશું, ભલે મને ગોળી મારી દેવામાં આવે. સરકારી શાળાના આચાર્ય સુપિંદર કૌરને શ્રદ્ઘાંજલિ આપવા માટે અહીં એક ગુરુદ્વારામાં આયોજિત શોકસભાને સંબોધિત કરતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરના લોકોએ સાહસી બનવુ પડશે અને સાથે મળીને હત્યારાઓ વિરુદ્ઘ લડવુ પડશે. કૌરની સાત ઓકટોબરે આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.

શ્રીનગરની લોકસભાના સભ્ય ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ જાનવરો વિરુદ્ઘ લડવુ પડશે. કાશ્મીર કયારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બની શકે. અમે ભારતનો હિસ્સો છીએ અને રહીશું. એ પછી ગમે તે થઇ જાય. એ લોકો મને ગોળી મારી દેશે તો પણ આને બદલી નહીં શકે. શિક્ષકની હત્યા પર દુખ વ્યકત કરતાં તેમણે કહ્યું કે, ૧૯૯૦ના દસકમાં જયારે અનેક લોકો કાશ્મીર છોડી રહ્યા હતા, ત્યારે સિખ સમુદાયના લોકો અહીં રહ્યા હતા.

તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને સાહસ સાથે લડવુ પડશે. અહીં માંત્ર સિખ સમુદાયના લોકો જ એવા હતા જે બધા જતા રહ્યા પછી પણ અહીં રહ્યા. બાળકોને શિક્ષણ આપનારા શિક્ષકની હત્યા કરવી ઇસ્લામની સેવા નથી. આ દરમિયાન તેમણે એમપણ કહ્યું કે, આતંકવાદીઓ અહીં કયારેય સફળ નહીં થાય, પરંતુ અહીં મુસ્લિમ, સિખ, હિંદુ અને ઇસાઇએ સાથે મળીને એમનો સામનો કરવો પડશે.

તેમણે કહ્યું કે ભારતમાં નફરતનું તોફાન છે અને મુસ્લિમ, હિંદુ તથા સિખ સમુદાયને અલગ પાડવામાં આવી રહ્યા છે. ભાગલા પાડવાની આ રાજનીતિને આપણે રોકવી પડશે, નહીં તો ભારત બચશે નહીં.

(9:52 am IST)