મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની અરુણાચલ મુલાકાત સામે ચીનના વાંધાને ભારતે ફગાવ્યો

વિદેશ મંત્રાલયે કહ્યું-અરુણાચલ ભારતનો એક અભિન્ન હિસ્સો છે અને રહેશે."

નવી દિલ્હી :ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જેનો ચીને વાંધો લીધો હતો. ચીનના વિદેશ મંત્રાલયે ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત પર વાંધો ઉઠાવ્યો હતો.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ચીને કહ્યું હતું કે અરુણાચલ ભારતનું રાજ્ય નથી અને આ રાજ્યને તેઓ માન્યતા નથી આપતું, તેથી ભારતના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ વ્યક્ત કરાયો છે.

ભારતે આનો વળતો જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે ચીનના નિવેદનનો અસ્વીકાર કરીએ છીએ. અરુણાચલ ભારતનો એક અભિન્ન હિસ્સો છે અને રહેશે."

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, "ભારતના નેતાઓ નિયમિતરુપે અરુણાચલ પ્રદેશ રાજ્યની મુલાકાત લેતા રહે છે. આ મુલાકાત અન્ય રાજ્યોની થતી મુલાકાત જેવી જ હોય છે. ચીન અરુણાચલ પ્રદેશમાં ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે તે સમજની બહાર છે."

"ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવીને બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ ખરાબ કરી રહ્યું છે. આશા રાખીએ છીએ કે ચીન આવા વિવાદો ઊભા કરવાના બદલે દ્વિપક્ષી સમજૂતી અને કરારોનું પાલન કરીને પૂર્વ લદ્દાખમાં એલએસીના વિવાદો મુદ્દે સમાધાન સધાય તેના પર કામ કરશે."

(12:19 pm IST)