મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

જેફ બેઝોસના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન પણ સફળ : ૯૦ વર્ષીય વ્યકિતએ પણ કરી અંતરિક્ષ યાત્રા

ન્યૂયોર્ક તા. ૧૪ : દુનિયાના સૌથી પૈસાદાર વ્યકિત એવા જેફ બેઝોસના બ્લૂ ઓરિજિને બુધવારે વધુ એક ઈતિહાસ રચી દીધો છે. બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ-કેપ્સૂલની આ બીજી ઉડાન પણ અત્યંત સફળ રહી અને આ યાનમાં સૌથી વધુ ઉંમર ધરાવતાં વ્યકિતએ પોતાની સાથે અંતરિક્ષની યાત્રા પૂરી કરી. ભારતીય સમય પ્રમાણે ૮ કલાક અને ૨૦ મિનિટે આ યાન અંતરિક્ષની યાત્રા માટે રવાના થયું. આ ઉડાનમાં ચાર લોકો ૯૦ વર્ષીય વિલિયમ શેટનર, બ્લૂ ઓરિજનના વાઈસ પ્રેસિડેન્ટ ઓડ્રે પાવર્સ, ફ્રાંસીસી સોફટવેર કંપની ડેસો સિસ્ટમ્સના ઉપપ્રમુખ ગ્લેન ડે રીસ અને અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લેનેટના સહ-સંસ્થાપક ક્રિસ બોશુઈઝેન હતા.

ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન વેસ્ટ ટેકસાસના વેન હોર્ન કસ્બામાં આવેલ બ્લૂ ઓરિજિન લોન્ચ સાઈટ વનથી ભરી. ભારતીય સમય પ્રમાણે ૮ કલાક અને ૨૦ મિનિટે તે ઉડાન ભરવામાં આવી. લોન્ચની ૯૦ મિનિટ પહેલાં લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું હતુ. તેને બ્લૂ ઓરિજિનની વેબસાઈટ અને તેની યુ-ટ્યૂબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી.

જેફ બેઝોસની સ્પેસ કંપનીએ પોતાનું બીજું લોન્ચિંગ ૨૦ જુલાઈ પછી અત્યારે કર્યું. એટલે ૧૨ અઠવાડિયા પછી. પહેલા મિશનમાં જેફ બેઝોસ, તેમના ભાઈ માર્ક બેઝોસ, ૮૨ વર્ષીય નાસાના સભ્ય વોલી ફંક અને ૧૮ વર્ષીય યુવા વિદ્યાર્થી ઓલિવર ડેમેન. તે સમયે અંતરિક્ષમાં જનારા સૌથી વૃદ્ઘ મહિલા વોલી હંક બન્યા હતા. પરંતુ હવે બીજા મિશનમાં વિલિયમ શેટનર અંતરિક્ષ યાત્રા કરનારા સૌથી વૃદ્ઘ વ્યકિત બની ગયા છે. તેમની ઉંમર ૯૦ વર્ષ છે.

(3:09 pm IST)