મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

૧૩૮ લાખ કરોડનું રાહત પેકેજ : દરેક અમેરિકનને મળશે ૩૦,૦૦૦ રૂ.

૨૦મીએ રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કરે તે પૂર્વે જ બિડેને ચૂંટણી વચનો પુરા કરવાનું શરૂ કર્યું : અમેરિકી અર્થતંત્રને દોડતુ કરવાનો હેતુ : પેકેજને બંને ગૃહોમાં પાસ કરાવવાનું રહેશે : ૧૦૦ દિ'માં ૧૦ કરોડ લોકોને વેકસીન આપવા લક્ષ્યાંક

વોશિંગ્ટન તા. ૧૫ : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપણ ગ્રહણ કરશે અને તે પહેલા જ તેઓએ તેમનો સૌથી મહત્વનો ચૂંટણી વાયદો નિભાવવાનું એલાન કર્યું છે. કોરોના કારણે ગંભીર રીતે પ્રભાવિત થયેલી અમેરિકી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ૧.૯ ટ્રીલિયન ડોલરનું રાહત પેકેજનું એલાન કરવામાં આવ્યું છે.

આ પેકેજને કોંગ્રેસ એટલે કે અમેરિકી સંસદના બંને ગૃહોમાં પાસ કરાવું પડશે. આ પેકેજ લાગુ થયા બાદ દરેક અમેરિકીના ખાતામાં ૧૪૦૦ ડોલર એટલે કે અંદાજે ૩૦ હજાર રૂપિયા આવશે. આ ઉપરાંત બાઇડેનના પેકેજમાં નાના કારોબારીઓને રાહત આપવામાં આવી છે. આ પેકેજને અમેરિકન રેસ્કયુ પ્લાનનું નામ આપવામાં આવ્યું છે.

જો બિડેનના પેકેજમાં જે રીતે ફંડની ફાળવણી કરવામાં આવી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે કારોબાર, શિક્ષણ અને દરેક અમેરિકીને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પેકેજ હેઠળ ૪૧૫ અબજ ડોલર કોરોના વિરૂધ્ધ જંગ પર ખર્ચ કરવામાં આવશે. બીજી બાજુ ૧૪૯૦ ડોલર દરેક અમેરિકીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ૪૪૦ અરબ ડોલર સ્મોલ સ્કેલ બિઝનેશના સુધારણા પર ખર્ચ કરવામાં આવશે.

આ ઉપરાંત ૧૫ ડોલર પ્રતિ કલાકના હિસાબથી કર્મચારીઓને ન્યુનત્તમ વેતન આપવામાં આવશે. પહેલા તે સાત ડોલરથી આસપાસ હતો. જો કે આ પેકેજમાં આ સમસ્યા આવી શકે છે કારણ કે જ્યારે ટ્રમ્પના રાહત પેકેજનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે ડેમોક્રેટિક પક્ષે અનેક સવાલ ઉભા કર્યા હતા. હજુ પણ સેનેટમાં રિપબ્લિકન પક્ષનું બહુમત છે.

(3:28 pm IST)