મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

ખેડૂત આંદોલન વચ્ચે અન્ના હજારેએ મોદીને પત્ર લખી જીવનની અંતિમ ભૂખ હડતાલની ચીમકી : સરકારનું ટેન્શન વધ્યું

નવી દિલ્હી,તા.૧૫ :ભારતમાં અત્યારે ખેડૂતો કૃષિ કાયદાને લઈને મોટું આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ અન્ના હજારેએ પણ રામલીલા મેદાનમાં આંદોલનની જાહેરાત કરી દીધી છે.

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ફરીવાર ખેડૂતોના મુદ્દે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે ખેડૂતોને પાક પર ૫૦ ટકા અધિક મૂકલી મળવું જોઈએ પણ પૂર્વમાં આ જ સંદર્ભમાં સરકાર દ્વારા આપવામાં આવેલ આશ્વાસન છતાં આવું થઈ રહ્યું નથી. અન્ના હજારેએ ખેડૂતોના મુદ્દા પર 'જીવનની અંતિમ ભૂખ હડતાળ' કરવાની ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે આ મુદ્દા પર પાંચ વાર તમને પત્ર આપવામાં આવ્યો છે પણ જવાબ મળ્યો નથી અને તેના કારણે જાન્યુઆરીમાં રામલીલા મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ના હજારેએ કહ્યું કે દિલ્હીમાં રામલીલા મેદાનમાં સાત દિવસ સુધી ચાલેલા ઉપવાસ બાદ તમારી સરકારે ૨૯ માર્ચ ૨૦૧૮ના રોજ પત્રમાં જે આશ્વાસન આપ્યા હતા તે હજુ સુધી પૂર્ણ થયા નથી. તેમણે કહ્યું કે આયોગ દ્વારા ભલામણોમાં કૃષિ ઉત્પાદનો પર ખર્ચ કરતાં ૫૦ ટકા અધિક મૂલ્ય આપવાની વાત કરવામાં આવી છે જેને લઈને લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું. અન્ના હજારે કહ્યું કે કેન્દ્ર સરકારે બજેટ ભાષણમાં પણ આ મુદ્દા પર આશ્વાસન આપ્યું છે પણ આજ સુધી તેનું પાલન કરવામાં આવ્યું નથી. ખેડૂતોને લાભ મળી રહ્યો નથી.

નોંધનીય છે કે છેલ્લા ૫૦ દિવસથી દિલ્હી અને તેની આસપાસની બોર્ડર પર ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે અને સરકાર અને ખેડૂતો વચ્ચે કેટલાય સ્તરની વાતચીત કરવામાં આવી છે. ખેડૂતોએ ૨૬મી જાન્યુઆરીએ પરેડ કરવાની જાહેરાત કરી છે ત્યારે હવે બીજી બાજુ અન્ના હજારેની આ જાહેરાતના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.

(3:28 pm IST)