મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

સીબીઆઇ ટીપ દ્વારા નવી દિલ્‍હી સ્‍થિત પોતાના જ હેડ કવાર્ટરમાં સર્ચ ઓપરેશનઃ કેટલાક અધિકારીઓ સામે લાંચ લેવાની આશંકા

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન (CBI)ની ટીમે ગુરુવારે નવી દિલ્હી સ્થિત પોતાના હેડક્વાર્ટરમાં જ સર્ચ હાથ ધર્યું છે. CBIને 2 DSP સહિત પોતાના કેટલાક અધિકારીઓ પર લાંચ લેવાની આશંકા છે. CBIને શક છે કે, આ અધિકારીઓએ બેંક ફ્રેડ કેસના આરોપીઓ પાસેથી લાંચરૂપે મોટી રકમ લીધી છે. આથી ગુરુવારે સવારથી જ CBI દિલ્હી, ગાજિયાબાદ સહિત અનેક ઠેકાણેં દરોડા પાડી રહી છે.

CBIએ ગાજિયાબાદમાં CBI અધિકારીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ અધિકારી હાલ CBI એકેડમીમાં તૈનાત છે. તપાસ એજન્સીએ ગાજિયાબાદમાં CBI એકેડમીમાં ફરજ બજાવતા DSP રેંકના અધિકારી આરકે ઋષિ સહિત 4 અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અન્ય ત્રણ અધિકારીઓમાં DSP આર કે સાંગવાન અને અન્ય બે અધિકારીઓ છે.

CBIએ પદના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના એક કેસમાં આ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓ પર આરોપ છે કે, તેમણે બેંક ફ્રોડના કેસમાં આરોપી કંપનીઓને મદદ કરી છે. એજન્સીએ કેટલાક વકીલો અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે.

CBI અધિકારીઓ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી ગુરુવારે સવારે શરૂ થઈ હતી. એન્ટી કરપ્શન યુનિટ દ્વારા CBIના એક કેમ્પસમાં સર્ચ કરવામાં આવ્યું હતુ. CBIના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું કે, ગુરુવારે દિલ્હી, ગાજિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, મેરઠ અને કાનપુરમાં 14 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, અગાઉ બુધવારે CBIએ લાંચ કેસના બે અલગ-અલગ કેસોમાં દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. જેમાંથી એક કનૉટ પ્લેસમાં ફરજ બજાવતો હતો, જ્યારે એક ભજનપુરા સ્ટેશનમાં હતો.

CBIના જણાવ્યા મુજબ, નવી દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ અજીત શર્માને રાકેશ ગુપ્તા અને લાલા નામની બિન સરકારી વ્યક્તિઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. અજીત પર આરોપ છે કે, તેણે ફરિયાદકર્તા પાસેથી નવી દિલ્હી કનૉટ પ્લેસમાં પોતાની દુકાન ચલાવવા માટે લાંચ માંગી હતી.

(5:03 pm IST)