મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભારતીય સ્ટાર્ટઅપ્સે ૨૦૨૧માં ૪૨ અબજ ડૉલરનું ભંડોળ એકઠું કર્યું : ૨૦૨૧માં દેશમાં ૪૬ કંપનીઓ યુનિકૉર્ન બની

દેશમાં યુનિકૉર્નના સ્થાપકોમાં ૧૩ મહિલાઓ:એકલા ૨૦૨૧માં આઠ મહિલાઓની કંપનીઓ યુનિકૉર્ન બની

મુંબઈ :ભારતીય સ્ટાર્ટઅપ્સે ૨૦૨૧માં ૪૨ અબજ ડૉલરનું ભંડોળ એકઠું કર્યું હતું. ૨૦૨૦માં એનું પ્રમાણ ફક્ત ૧૧.૫ અબજ ડૉલર હતું. 

ઓરિયોસ વેન્ચર પાર્ટનર્સે એક અહેવાલમાં જણાવ્યું છે કે એકલા ૨૦૨૧માં ભારતમાં ૪૬ કંપનીઓ યુનિકૉર્ન (જેમનું મૂલ્ય ૧ અબજ ડૉલર કરતાં વધારે હોય એવી કંપનીઓ) બની ગઈ છે. એને પગલે દેશની યુનિકૉર્નની કુલ સંખ્યા ૯૦ થઈ ગઈ છે. હવે ભારત યુનિકૉર્નની બાબતે અમેરિકા (૪૮૭) અને ચીન (૩૦૧) કરતાં પાછળ છે, પણ યુનાઇટેડ કિંગડમ (૩૯) કરતાં આગળ છે. સ્ટાર્ટઅપ્સની સંખ્યાની દૃષ્ટિએ પણ એ વિશ્વમાં આશરે ૬૦,૦૦૦ની સંખ્યા સાથે ત્રીજા ક્રમાંકે છે. 
ઉક્ત અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ્સ ઇનોવેશન કરવા ઉપરાંત મોટા પાયે રોજગારનું સર્જન પણ કરે છે. વિશ્વમાં સર્જાઈ રહેલી દર ૧૩ યુનિકૉર્નમાંથી ૧ ભારતમાં હોય છે. 
દેશમાં સૌથી વધુ યુનિકૉર્ન બૅન્ગલોરમાં છે. સૌથી વધુ યુનિકૉર્ન ફિનટેક, ઈ-કૉમર્સ અને SaaS સૉફ્ટવેર એઝ અ સર્વિસ (SaaS) ક્ષેત્રે છે. ત્યાર બાદ હેલ્થટેક, ઍડટેક, ડીટુસી, ગેમિંગ અને ક્રિપ્ટોનો ક્રમ આવે છે. 
ભારતની સૌથી મોટી યુનિકૉર્ન ફ્લિપકાર્ટ છે. એનું મૂલ્ય ૨૦૨૧ના અંતે ૩૭.૬ અબજ ડૉલર થઈ ગયું છે. મેન્સા બ્રૅન્ડ્સ સૌથી વધુ ઝડપે યુનિકૉર્ન બનેલી સ્ટાર્ટઅપ છે. તેણે ફક્ત ૬ મહિનામાં આ દરજ્જો મેળવ્યો હતો. 
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ચાર ડેકાકૉર્ન (જેમનું મૂલ્ય ૧૦ અબજ ડૉલર કરતાં વધારે છે એવી કંપનીઓ) છે, જેમાં ફ્લિપકાર્ટ, પેટીએમ, બૈજુસ અને ઓયો રૂમ્સનો સમાવેશ થાય છે. દેશમાં યુનિકૉર્નના સ્થાપકોમાં ૧૩ મહિલાઓ છે. એકલા ૨૦૨૧માં આઠ મહિલાઓની કંપનીઓ યુનિકૉર્ન બની હતી. એમાં નાયકા (ફાલ્ગુની નાયર), રિવીગો (ગઝલ કાલરા), ઑફ બિઝનેસ (રુચિ કાલરા), બૈજુસ (દિવ્યા ગોકુલનાથ), મામાઅર્થ (ગઝલ અલગ) અને ઝેનોટી (સરિતા કટિકાનેની)નો સમાવેશ છે.

(12:00 am IST)