મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

પત્નીની જાણ વગર ટેલિફોન વાતચીતનું રેકોર્ડિંગ તેની ગોપનીયતાનું ઉલ્લંઘન છે કે કેમ: સુપ્રીમકોર્ટ કરશે નક્કી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ ; હવે સુપ્રીમ કોર્ટ આવા મામલામાં પતિ-પત્ની વચ્ચેના પ્રાઈવસીના અધિકારની મર્યાદા સમજાવી શકે

નવી દિલ્હી : છૂટાછેડાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે જ્યાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવામાં આવી છે. આવામાં હવે સુપ્રીમ કોર્ટ આવા મામલામાં પતિ-પત્ની વચ્ચેના પ્રાઈવસીના અધિકારની મર્યાદા સમજાવી શકે છે. પત્નીની જાણ વગર ટેલિફોન વાતચીતનું રેકોર્ડિંગ તેની ગોપનીયતાનું ઉલ્લંઘન છે કે કેમ તે પ્રશ્ન પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે.

જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 12 ડિસેમ્બર, 2021ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર નોટિસ જારી કરી હતી. ખંડપીઠે 12 જાન્યુઆરીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, નોટિસ જારી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટની સિંગલ જજની બેંચના આદેશ સામે મહિલાની અરજી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી, જેણે ફેમિલી કોર્ટના 2020ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ આપ્યો હતો. ભટિંડા ફેમિલી કોર્ટે તેના વિખૂટા પતિને તેના અને તેની પત્નીની રેકોર્ડ કરેલી વાતચીત સાથે સંબંધિત સીડી પ્રમાણિત કરવા કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે પત્નીની જાણ વગર તેની ટેલિફોન વાતચીતનું રેકોર્ડિંગ સ્પષ્ટપણે તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. પતિએ 2017માં મહિલાથી છૂટાછેડાની અરજી કરી હતી. તેમના લગ્ન 2009માં થયા હતા અને તેમને એક પુત્રી છે.

(9:50 am IST)