મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ખડી પડતાં ૯નાં મૃત્યુઃ ૪૫ને ઈજા ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા અને જેમાંથી કેટલાક ઊંધા વળી ગયા હતા

કલકત્ત્।ા - ગુવાહાટી,તા.૧૫ ઃ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દોહોમોની પાસે બિકાનેર-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા અને જેમાંથી કેટલાક ઊંધા વળી ગયા હતા, જેમાં ૯ જણનાં મોત થયાં હતાં અને ૪૫થી વધુ લોકોને ઈજા થઈ છે. કેટલાક દરદીઓની હાલત ગંભીર છે.

આ ટ્રેન પટનાથી આવી રહી હતી. રાતે અંધારામાં રાહત-કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને જલપાઇગુડી સદર હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે કેટલાક અહેવાલોમાં આ દુર્દ્યટના માટે 'ટ્રેકમાં ફોલ્ટ'નું કારણ આપવામાં આવ્યું છે.

ઘટનાસ્થળેથી આવી રહેલી તસવીરોમાં જોવા મળ્યું છે કે સંખ્યાબંધ કોચ ટ્રેકસની પાસે પડ્યા છે અને રાહત કાર્યકરો કોચમાંથી પેસેન્જર્સને બહાર કાઢી રહ્યા છે. જે રીતે લગભગ પાંચેક કોચનો કચ્ચરઘાણ વળી ગયો છે એને જોતાં મૃત્યુઆંક વધી શકે છે.

નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના અલીપુઅરદૌર સેકશનના ડિવિઝનલ રેલવે મેનેજર દિલીપકુમાર સિંહે જણાવ્યું હતું કે કોરોનાને કારણે એક પણ કોચ પૂરેપૂરી કેપિસિટીથી ભરાયા નહોતા. અનેક ટીમ દ્યટનાસ્થળે પહોંચી ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ અકસ્માતની વિગતો મેળવી હતી. ભારતીય રેલવેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનો માટે પાંચ લાખ રૃપિયા, ગંભીર રીતે ઇજાગ્રસ્તો માટે એક લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તો માટે ૨૫,૦૦૦ રૃપિયાના વળતરની જાહેરાત કરી હતી.

(3:16 pm IST)