મુખ્ય સમાચાર
News of Monday, 15th February 2021

ખેડૂતોની ભલાઈમાં આપણું ભલું: તારા ગાંધી

મહાત્મા ગાંધીજીના પૌત્રી તારા ગાંધી ગાજીપુર બોર્ડર પહોચ્યા, ખેડૂતોને સમર્થન : હું સચ્ચાઈની સાથે છું, સચ્ચાઈ સામે હંમેશા લડતી રહીશઃ ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ

નવીદિલ્હીઃ મહાત્મા ગાંધીના પૌત્રી તારા ગાંધી ભટ્ટાચાર્ય શનિવારે ગાઝીપુર બોર્ડર પહોંચીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતને મળ્યાં હતા.  તારા ગાંધી ગાંધીજીના સૌથી નાના અને ચોથા પુત્ર દેવદાસ ગાંધીના પુત્રી છે. તેઓએ જણાવેલ કે હું સચ્ચાઈની સાથે છું અને સચ્ચાઈ માટે લડતી રહીશ.  ખેડૂતોની ભલાઈમાં જ દેશ અને આપણા બધાનં ભલું સચવાયેલું છે.

રાકેશ ટિકૈત સાથેની મુલાકાત બાદ તારા ભટ્ટાચાર્યે કોઈનું નામ લીધા વગર જણાવ્યું કે આટલો અભણ વ્યકિત ક્યારેય પણ આવ્યો નથી. ગાંધીજીની સાથે મારો ૧૪ વર્ષનો અનુભવ છે. હું સચ્ચાઈની સાથે છું અને હમેંશા સચ્ચાઈ માટે લડતી રહીશ. રાષ્ટ્રીય ગાંધી મ્યુઝિયમના અધ્યક્ષ ૮૪ વર્ષીય તારાએ પ્રદર્શનકારી ખેડૂતોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.

તારાએ કહ્યું કે અમે અહીં કોઈ રાજકીય કાર્યક્રમ માટે આવ્યાં નથી. અમે ખેડૂતોના ટેકામાં આવ્યાં છીએ, ખેડૂતોએ આપણને બધાને અનાજ આપ્યું છે.  મારી ઈચ્છા છે કે જે કંઈ પણ થાય, તેનો ફાયદો ખેડૂતોને મળવો જોઈએ, ખેડૂતોની તનતોડ મહેનતથી કોઈ અજાણ્યુ નથી. તેમણે ખેડૂતોને કહ્યું કે અમે બધા તમારા કારણે જીવીએ છીએ. ખેડૂતોની ભલાઈમાં જ દેશ અને આપણા બધાનં ભલું સચવાયેલું છે. ભટ્ટાચાર્યે ૧૮૫૭ ના બળવાને યાદ કરતા જણાવ્યું કે આ બળવો પશ્ચિમી યુપીમાં મેરઠથી શરૂ થયો હતો. હું પ્રદર્શન સ્થળે ખેડૂતો માટે પ્રાર્થના કરવા આવી છું.

અત્રે નોંધનિય છે કે તારા ગાંધીનો જન્મ ૧૯૩૬ માં ગાંધીજીના ચોથા અને સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીના ઘેર થયો હતો. તેમણે તેમના જીવનના ૧૪ વર્ષ ગાંધીજી સાથે ગાળ્યાં હતા. ૧૯૪૦ ની સાલમાં તેઓ પિતા દેવદાસ ગાંધી સાથે હિંદુસ્તાન ટાઈમ્સના બિલ્ડિંગમાં શિફ્ટ થયા હતા. તેમના પિતા દેવદાસ ગાંધી હિંદુસ્તાન ટાઈમ્સના એડિટર હતા.

(11:42 am IST)