મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

રાજસ્થાનના બધા શહેરોમાં નાઇટ કર્ફયુ : ૧૫ દિવસ સ્કૂલો - કોલેજો બધુ બંધ

૧૬થી ૩૦ એપ્રિલ સુધી બધા શહેરોમાં સાંજે ૬ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફયુ રહેશે : રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવા નવી ગાઇડલાઇન જાહેર કરાઇ : સરકારી ઓફિસો પણ સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

જયપુર તા. ૧૫ : રાજસ્થાનમાં બેકાબૂ થતી કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર પર અંકુશ લગાવવા માટે રાજયની ગહલોત સરકાર ૧૬ એપ્રિલથી નવી ગાઈડલાઈન લાગુ કરવા જઈ રહી છે. ગૃહ વિભાગ તરફથી હાલ તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયા પર નવી ગાઈડલાઈન વાયરલ થઈ ચૂકી છે. ૧૬ એપ્રિલથી ૩૦ એપ્રિલ માટે આ ગાઈડલાઈનમાં રાજયના બધા શહેરી વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લગાવવાની જાહેરાત કરાઈ છે. જોકે, આ નાઈટ કફર્યૂમાંથી ૧૦ જેટલી સેવાઓ અન વર્ગોને મુકત રાખવામાં આવ્યા છે. આ બધા માટે અલગથી પાસની જરૂર નહીં પડે.

ગાઈડલાઈન્સની સાથે સરકારે જણાવ્યું છે કે, કોવિડ-૧૯ના કેસોમાં થઈ રહેલો વધારો ચિંતાનું કારણ છે. તજજ્ઞોના મત મુજબ, કોવિડની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ખતરનાક છે, કેમકે બીજી લહેરમાં કુલ સંક્રમિતમાંથી લગભગ ૩૦ ટકા ગ્રામ્ય વિસ્તારોના અને ૬૦ ટકા સંક્રમણ ૪૫ વર્ષથી વધુ વર્ગના લોકો જોવા મળી રહ્યા છે, તેમજ આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ વ્યકિતમાં કોવિડ હોવાનું બહાર આવી રહ્યું છે.

રાજયના બધા શહેરી વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ રહેશે, બધા બજાર, કાર્યસ્થળ અને વ્યાવસાયિક કોમ્પ્લેક્ષ રાત્રિ કફર્યૂ દરમિયાન બંધ રહેશે. બજાર તેમજ વ્યાવસાયિક સંસ્થાઓ વગેરે સાંજે ૫ વાગ્યે બંધ કરી દેવાના રહેશે, જેથી સ્ટાફ તેમજ અન્ય વ્યકિત સાંજે ૬ વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી શકે.

નવી ગાઈડલાઈન્સ મુજબ, બધા રાજકીય કાર્યાલય (કોવિડ મેનેજમેન્ટ સંબંધિત બધા કાર્યાલય, વોર રૂમ, કન્ટ્રોલ રૂમને છોડીને) સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. બધી ખાનગી ઓફિસો તેમજ સંસ્થાઓને નિર્દેશ અપાયો છે કે, કોવિડ સંક્રમણની હાલની સ્થિતિને જોતા તે પણ પોતાની ઓફિસોનો સમય તેને અનુરૂપ બદલી નાંખે.

નાઈટ કર્ફયુ દરમિયાન આ ૧૦ સેવાઓ માટે પાસની જરૂર નહીં પડે

૧.  એ ફેકટરીઓ, જેમાં સતત ઉત્પાદન થઈ રહ્યું હોય.

૨.  એ ફેકટરીઓ, જેમાં નાઈટ શિફટ ચાલુ હોય.

૩.  આઈટી કંપનીઓ.

૪.  કેમિસ્ટ શોપ.

૫.  ફરજિયાત તેમજ ઈમર્જન્સી સેવાઓ સંબંધિત કાર્યાલય.

૬.  લગ્ન સંબંધિત સમારંભ.

૭.  તબીબી સેવાઓથી સંબંધિત કાર્યાલય.

૮.  બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટથી આવતા/જતા મુસાફરો.

૯.  માલ પરિવહન કરનારા ભારે વાહનોની અવરજવર, માલના લોડિંગ તેમજ અનલોડિંગ તથા એ કાર્ય માટે નિમાયેલ વ્યકિત.

       ૧૦.    સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત.

(10:39 am IST)