મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

શાર્લી હેબ્દોમાં દેવી અને દેવતાઓ સામે કટાક્ષ કરાયો

ફ્રાંસની વ્યંગાત્મક પત્રિકા શાર્લી હેબ્દો ફરીવાર ચર્ચામાં : ફ્રાંસીસી મેગેઝિનમાં પ્રકાશિત એક કાર્ટુનમાં ઓક્સિજન માટે તરસી રહેલા ભારતીયોને જમીન પર સુતેલા બતાવાયા

નવી દિલ્હી, તા. ૧૪ : મોહમ્મદ પયગંબર પર કાર્ટુન છાપનારી ફ્રાંસની વ્યંગાત્મક પત્રિકા શાર્લી હેબ્દો ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે પત્રિકાએ ભારતના કોવિડ સંકટ અને હિંદુ દેવી-દેવતાઓ સામે કટાક્ષ કર્યો છે. મેગેઝિનના કાર્ટુનને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ જાગ્યો છે.

હકીકતે ફ્રાંસીસી મેગેઝિને એક કાર્ટુન જાહેર કર્યું હતું જેમાં ભારતમાં કોવિડ સંકટ અને ઓક્સિજનની તંગી સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. ૨૮મી એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા આ કાર્ટુનમાં ઓક્સિજન માટે તરસી રહેલા ભારતીયોને જમીન પર સુતેલા બતાવવામાં આવ્યા છે. આ કાર્ટુનમાં હિંદુ દેવી-દેવતાઓની પણ મજાક ઉડાડવામાં આવી છે. કાર્ટુનના કેપ્શનમાં લખ્યું છે કે, ૩૩ મિલિયન દેવી-દેવતા, પણ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં એક પણ સક્ષમ નહીં.

ટ્વીટર પર ગુરૂવારે શાર્લી હેબ્દો ટ્રેન્ડમાં હતું. અનેક લોકોએ આ કાર્ટુનને અપમાનજનક ગણાવીને શાર્લી હેબ્દોના બહિષ્કારની માંગણી કરી હતી. જો કે, કેટલાક લોકો અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપીને તેનાસમર્થનમાં પણ જોવા મળ્યા હતા.

કાર્ટુનના અનુસંધાને મનિક એમ જોલી નામના એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, ડિયર શાર્લી હેબ્દો તમને જણાવી દઈએ કે અમારી પાસે ૩૩૦ મિલિયન દેવતા છે. જેમણે અમને કદી હિંમત ન હારવાનું જ્ઞાન આપ્યું છે. અમે અભિવ્યક્તિની આઝાદી અને દરેક ફ્રેંચ નાગરિકનું સન્માન કરીએ છીએ. ચિંતા ન કરશો, તમારી ઓફિસ પર કે સ્ટાફ પર કોઈ હુમલો નહીં કરવામાં આવે.

(12:00 am IST)