મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કેરળમાં કોરોનાએ કહેર વર્તાવતા 23મી સુધી સંપૂણ લોકડાઉન જાહેર

ઉંચા પોઝિટિવિટી રેટને કારણે કેરળમાં મુખ્યમંત્રીએ લોકડાઉન લગાવ્યું : પીએમને પત્ર લખીને ઓક્સિજન સિલિન્ડર અને રસીની માગ કરી

કેરળમાં કોરોનાની ગતિ ધીમી પડવાનું નામ નથી લઈ રહી અને ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) સતતા વધી રહ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાય વિજયને કહ્યું કે, ઉચ્ચ પોઝિટિવિટી રેટને ધ્યાનમાં રાખીને કેરળમાં 23મી મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 34964 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 93 લોકોના મોત થયા છે. રાજ્યમાં રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 6243 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે, કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા પણ ઉત્સાહવર્ધક રહી છે. શુક્રવારે 31 હજારથી વધુ લોકો રોગચાળાને હરાવી સ્વસ્થ થયા હતા. પાટનગર તિરુવનંતપુરમ, એર્નાકુલમ અને થ્રિસુર જેવા જિલ્લાઓમાં કોરોનાની તીવ્ર ગતિને ધ્યાનમાં રાખીને વિશેષ કાળજી લેવામાં આવી રહી છે

મુખ્ય પ્રધાન પિનરાય વિજયને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ઓક્સિજન સિલિન્ડર અને રસીની માગ કરી હતી. વિજયને પીએમને લખેલા પત્રમાં કહ્યું હતું કે રાજ્યમાં મેડિકલ ઓક્સિજન સંગ્રહ તુરંત વધારવો જોઇએ કેમ કે જીવન રક્ષક ગેસની માંગ વધી રહી છે.

વિજયને કહ્યું હતું કે સંગ્રહ વધારવા માટે અમને 1000 ટન આયાત કરેલા પ્રવાહી તબીબી ઓક્સિજનની જરૂર છે. વિદેશી બાબતોના મંત્રાલયને સલાહ આપી શકાય છે કે, આયાતની હાલના હપ્તામાંથી જરૂરી જથ્થો આંશિકરૂપે ફાળવવા અને ભવિષ્યની આયાતમાંથી સંતુલન પ્રાપ્ત કરવામાં આવે. વિજયને પ્રધાનમંત્રીને વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાના ધોરણે ઓક્સિજન કંન્સેન્ટર્સ, વેન્ટિલેટર અને અન્ય ઉપકરણો પ્રદાન કરવા જણાવ્યું હતું.

(12:00 am IST)