મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

'તૌકતે' વાવાઝોડુ વિકરાળ બન્યુઃ કેરળમાં ભારે વરસાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી

આવતા ૪૮ કલાકમાં કેરળ, કર્ણાટક અને કોંકણમાં ગંભીર હવામાનની સ્થિતિ ઉભી થશે

નવી દિલ્હી, તા. ૧૫ :. અરબી સમુદ્રમા ઉઠેલા 'તૌકતે' વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જેને ધ્યાને રાખી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો એલર્ટ છે. એનડીઆરએફની ૫૩ ટીમની તૈનાતી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આવતા ૨૪ કલાકમાં ચક્રવાતી વાવાઝોડાને વધુ વિકરાળ થવાની આશંકા વ્યકત કરી છે. જાણકારોના કહેવા મુજબ આજે દરીયાઈ વાવાઝોડુ બની જશે અને તે ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે. કહેવાય છે કે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે.

કેરળમાં કોટાયમ ખાતે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. આવતા ૪૮ કલાકમાં કેરળ, કર્ણાટક અને કોંકણમાં ગંભીર પરિસ્થિતિ થઈ શકે છે. રીપોર્ટ અનુસાર વાવાઝોડુ આગળ વધવાની અસર સ્વરૂપ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવામાં પણ અસર દેખાશે ત્યાં ભારે પવન ફુંકાશે.

હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે ગુજરાત અને કેરળના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

સ્કાયમેટના કહેવા અનુસાર વાવાઝોડુ ૧૮મીએ સાંજ સુધીમાં ગુજરાત અને પાકિસ્તાન સુધી પહોંચી શકે છે.

(10:55 am IST)