મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કેરળના દરિયા કિનારે જોરદાર મોજા ઉછળવા લાગ્યાઃ કાલે પશ્ચિમના કાંઠે ટકરાશે

કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ અસર કરશે વાવાઝોડુ

નવીદિલ્હીઃ અરબી સમુદ્રમાં બની રહેલ વાવાઝોડુ ''તૌકતે''ની અસર કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ''તૌકતે'' વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે.

કેરળમાં ગઈકાલથી જ વાવાઝોડાની અસર થવા લાગી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે હાઈએલર્ટ જારી કરી દેવાયું છે. એનડીએફની ટીમને ગોઠવી દેવામાં આવી છે. જયારે અન્ય ટુકડીઓને પણ તૈયાર રહેવા જણાવી દેવામાં આવ્યું છે.  વાયનડ અને ઈડુકકી જિલ્લામાં ભૂસ્ખલનની સંભાવના વચ્ચે લોકોને સાવચેત રહેવા જણાવી દેવામાં આવ્યું છે. રાહત શિબિરની કામગીરી પણ અગાઉથી જ આરંભી દેવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે રવિવારે પશ્ચિમી દરિયાકિનારે ટકરાશે.

દરમિયાન કેરળના કોલ્લમ, અલપ્પુઝા, અર્નાકુલમમાં જોરદાર લહેરોથી આસપાસના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાઓ ઉપર મોકલી દેવામાં આવ્યા છે.વાવાઝોડાની અસરથી મધ્યપ્રદેશમાં વરસાદ પડી શકે છે. ગ્વાલિયર, ચંબલના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

(12:53 pm IST)