મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા ધો.૧૨ની પરીક્ષા લેવાશેઃ રૂપાણી

દસમા ધોરણમાં માસ પ્રમોશનઃ પરંતુ બારમા ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે

ગાંધીનગર, તા.૧૫: સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી છે કે રાજયમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા લેવાનું મુલત્વી રાખી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની જાહેરાત કરી હતી. જોકે, આજે સીએમે બારમા ધોરણની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી માસ પ્રમોશનની અટકળોને હાલ પૂરતી સમાપ્ત કરી દીધી છે.

ગુજરાતમાં ધોરણ ૧ થી ૧૧ સુધીના તમામ વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. રાજયમાં અગાઉ સરકારે દસમા ધોરણની અને ૧૨માં ધોરણની પરીક્ષા ૧૦ મેથી ૨૫ મેની વચ્ચે લેવાની જાહેરાત કરી હતી. જોકે, કોરોનાના કેસોમાં માર્ચના અંત સુધીમાં એકાએક મોટો ઉછાળો આવતા દસમા ધોરણની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પરીક્ષામાં ૧૨ લાખ સ્ટૂડન્ટ્સ બેસવાના હતા.

રાજયમાં હાલ કોરોનાના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યા છે, પરંતુ હજુય ડેઈલી કેસ તેમજ એકિટવ કેસનો આંકડો દ્યણો ઉંચો છે. વળી, બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે સ્કૂલો ખોલીને થોડા જ દિવસોમાં તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એકસપર્ટ્સ માની રહ્યા છે, ત્યારે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા કયારે યોજાશે તેને લઈને પણ મોટો સવાલ છે.

એક તરફ દસમા ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ અગિયારમા ધોરણમાં એડમિશનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે બારમા ધોરણની પરીક્ષાઓ અંગે નિર્ણય ના લેવાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશનની પ્રોસેસ શરુ નહીં થઈ શકે. સામાન્ય રીતે બારમા ધોરણની પરીક્ષા માર્ચના ત્રીજા વીક સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સરકાર જો પરીક્ષા મોડી યોજે તો પણ તે કયારે યોજાશે, અને કયારે રિઝલ્ટ આવશે તે હાલ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં બારમા ધોરણ બાદ વિદેશ જનારા કે પછી આગળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હાલ અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે.

(2:50 pm IST)