મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કોરોના સંકટ પર પીએમ મોદીએ યોજી હાઇલેવલ બેઠક

અમિત શાહ - હર્ષવર્ધન સહિતના અધિકારીઓ હાજર : હાલની સ્થિતિની કરી સમીક્ષા : જરૂરી સૂચનો આપ્યા

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિ અને વેકસીનેશન અંગે પીએમ નરેન્દ્ર મોદી એક હાઇલેવલ બેઠક યોજી. બેઠકમાં દેશમાં હાલની કોરોનાની સ્થિતિની સમીક્ષા સાથે રાજ્યોમાં વેકસીનેશનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. વર્ચ્યુઅલ બેઠકમાં પીએમના પ્રધાન સચિવ, કેબિનેટ સેક્રેટરી, પીએમઓના અધિકારી, સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ, સડક પરિવહન મંત્રાલયના સચિવ સહિત અન્ય અધિકારી પણ હાજર હતા.

કોરોનાની બીજી લહેર વચ્ચે દેશભરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મોદી સતત બેઠક કરી રહ્યા છે અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી આદેશો પણ આપ્યા.

અગાઉ કોરોનાને એક અદ્રશ્ય દુશ્મન ગણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકાર આ મહામારીની બીજી લહેરથી બચવા માટે યુધ્ધસ્તર પર કામ કરી રહી છે. તેઓએ વિશ્વાસ વ્યકત કર્યો કે દેશ આ લડાઇમાં વિજય પ્રાપ્ત કરશે.

વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આજે બપોરે ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

(4:10 pm IST)