મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ફિલ્ડ માર્શલ કરિઅપ્પાની આજે પૂણ્યતિથિઃ કોંગ્રેસે ટવીટરમાં ભૂલ કરતા યુઝર્સે આડે હાથ લીધા

તસ્વીરના કારણે કોંગ્રેસ પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુકાવુ પડયું

નવી દિલ્હી,તા. ૧પ :  દેશના પ્રથમ આર્મી ચીફ કો કોડંડેરા મડપ્પા કરિઅપ્પાની આજે પુણ્યતિથિ છે. કરિઅપ્પાનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯માં કર્ણાટકમાં થયો હતો. જ્યારે ૯૪ વર્ષની ઉંમરે ૧૫ મે, ૧૯૯૩માં બેંગલુરૂમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શનિવારે સવારે દેશભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

કોંગ્રેસ પાર્ટીએ દેશના પ્રથમ આર્મી ચીફને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ ટ્વીટ કરતાં સમયે કોંગ્રેસ પાર્ટી તરફથી એક મોટી ભૂલ થઈ ગઈ. જેના કારણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની ભારે ટીકા થઈ રહી છે. જો કે કોંગ્રેસે પાછળથી પોતાની પોસ્ટ હટાવી લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું. ટ્વીટર યુઝર્સે પહેલા જ કોંગ્રેસની પોસ્ટના સ્ક્રીનશૉટ લઈને પાર્ટીને આડેહાથ લીધી હતી.

હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર ભારતના પ્રથમ સેના પ્રમુખ જનરલ કરિઅપ્પાની પુણ્યતિથિના અવસરે શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પાર્ટીના ટ્વીટર હેન્ડલ પર તેમને યાદ કરતા એક પોસ્ટ કરવામાં આવી હતી. જે ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, ફીલ્ડ માર્શલ કોડંડેરા મડપ્પા કરિઅપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડ ઈન ચીફ અને બટાલિયનની કમાન સંભાળનાર પ્રથમ ભારતીય હતા. તેમની પુણ્યતિથિ પર આપણે સૌ તેમની વીરતા અને નેતૃત્વ માટે તેમનો આભાર માનીએ છીએ.

શ્રદ્ધાંજલિ આપવામાં કંઈ ખોટુ નહતુ, પરંતુ ટ્વીટર પર પોસ્ટમાં અપલોડ કરવામાં આવેલી તસવીરના કારણે કોંગ્રેસ પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. કરિઅપ્પાની પુણ્યતિથિ પર ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉની તસવીરનો ઉપયોગ કરવાના કારણે સોશિયલ મીડિયામાં કોંગ્રેસની મજાક ઉડી રહી છે.

જણાવી દઈએ કે, સૈમ માનેકશૉ ભારતીય થલ સેનાના ૮માં ચીફ ઑફ સ્ટાફ હતા. વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનારા જનરલ સૈમ માનેકશૉને ૧ જાન્યુઆરી, ૧૯૭૩માં દેશના પ્રથમ ફીલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું. સૈમ માનેકશૉના બાદ ૧૯૮૬માં જનરલ કેએમ કરિઅપ્પાને ફીલ્ડ માર્શલનું પદ અપાયું હતું.૧૮૯૯માં જન્મેલા કરિઅપ્પા ૧૯૪૭માં સ્વતંત્રતા બાદ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ હતા. જો કે તેઓ માનેકશોથી ઘણાં સીનિયર હતા. ફીલ્મ માર્શલની પદવી તેમને બાદમાં મળી હતી.

(4:37 pm IST)