મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી તંત્ર દોડતું : આઇસીયુ વિભાગના હજારો દર્દીઓની સ્થળાંતરની કામગીરી શરૂ

પાલિકાએ તમામ સિસ્ટમોને એલર્ટ કરી : જ્યાં પણ પાણી ભરાઈ શકે ત્યાં પમ્પ મુકાયા: મુંબઈના બીચ પર લાઈફ ગાર્ડ તૈનાત કરાયા

મુંબઈ : મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી બચવા તંત્ર દોડતું થયું છે. હવામન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં આવનારા બે દિવસમાં જોરદાર વરસાદ પડી શકે છે, તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઈસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત જમ્બો સેન્ટરની આસપાસ આવેલાં 300થી પણ વધુ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે. કોરોના સામે લડી રહેલી મુંબઈ મહાનગરપાલિકાને એકાએક ઝડપી પગલાં લેવાં પડ્યાં છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું છે કે પાલિકાએ તમામ સિસ્ટમોને એલર્ટ કરી દીધી છે.

મુંબઈ શહેરમાં જ્યાં પણ પાણી ભરાઈ શકે છે, ત્યાં પમ્પ મુકાયા છે. મુંબઈના બીચ પર લાઈફ ગાર્ડ તૈનાત કરાયા છે. વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, આ મામલે હોસ્પિટલોને ચેતવણી દેવામાં આવી છે કે તેઓ પાવર બેકઅપ તૈયાર રાખે. સાથે જ તેમણે જણાવ્યું કે મનપા દ્વારા આવતા સમુદ્ર ચક્રવાતને લઈને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. મુંબઈના જુદા જુદા કોવિડ સેન્ટરોમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓને સ્થળાંતર કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

ચક્રવાતને પગલે મુંબઈના તમામ કોવિડ કેન્દ્રોને ચેતવણી આપવામાં આવી છે. 100થી વધુ દર્દીઓને મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરથી બીજા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને નજીકની એમટી અગ્રવાલ, રાજાવાડી, મુલંદ મીઠાગર કોવિડ સેન્ટર, ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ દહિસર કોવિડ સેન્ટરમાંથી 160 દર્દીઓ અને આઈસીયુ કોવિડ સેન્ટરમાં 85 દર્દીઓને સ્થળાંતર કરવા કામગીરી શરુ કરાઈ છે.

(9:15 pm IST)