મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ઉજૈનનાં ભાજપ સાંસદે સરકારી ટીમને ઘરે બોલાવીને લીધી વેક્સીન : વિવાદ વધતા તપાસના આદેશ અપાયા

સાંસદે બચાવ કરતા કહ્યું પાર્ટીના એક કાર્યકર્તાએ તેમને જાણ કર્યા વિના સરકારી ટીમને વૅક્સિનેશન માટે ઘરે બોલાવી હતી

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોરોના વૅક્સિનની કમીના કારણે અનેક કેન્દ્રો પર વૅક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, ત્યારે એવામાં સરકારી ટીમે ઉજ્જૈનથી ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાના ઘરે જઈને તેમના સ્ટાફ, સમર્થકો અને ઘરના સભ્યોને કોરોના વિરોધી રસી આપી હોવાની વાત સામે આવી છે. આ બાબતે વિવાદ વધતા જિલ્લા વહીવટી તંત્રએ તેની તપાસના આદેશ આપ્યાં છે.

આ અંગે અધિકારીઓએ કહ્યું કે, એવી કોઈ જોગવાઈ નથી કે, વૅક્સિન લગાવવા માટે સરકારી ટીમને કોઈના ઘરે મોકલવામાં આવે. જ્યારે વિપક્ષ કોંગ્રેસે આ ઘટાની ટીકા કરતા કહ્યું કે, આવું એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે રાજ્યના લોકોને વૅક્સિન મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે ફિરોજિયાએ પોતાના બચાવ કરતાં જણાવ્યું કે, પાર્ટીના એક કાર્યકર્તાએ તેમને જાણ કર્યા વિના સરકારી ટીમને વૅક્સિનેશન માટે ઘરે બોલાવી હતી. તે સમયે હું ઘરે હાજર નહતો. મારી માતા વૃદ્ધ છે અને તેમના પગમાં ઈજા છે. મારી માતાની હાલત જોઈને મારા એક કાર્યકર્તા કપિલ કટારિયાએ આ મેડિકલ ટીમને બોલાવી હતી. તે સમયે કટારિયાએ પણ આ વૅક્સિન લીધી હતી. જો મને જાણકારી હોત, તો હું તેને આવું ના કરવા દેત. હું સ્વયં હોસ્પિટલ જઈને કોરોના વિરોધી રસી લઈને આવ્યો છે. નિયમ બધા માટે એકસમાન જ છે.

ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે, ઘટનાની જાણકારી મળવા પર મેં તપાસના આદેશ આપ્યા છે. મને પણ ફિરોજિયાના ઘર પર વૅક્સિનેશનની માહિતી મળી હતી. મે અધિકારીઓને તાત્કાલીક એ જણાવવા કહ્યું છે કે, ટીમને ત્યાં જવાની મંજૂરી કોણે આપી? તપાસમાં જે અધિકારી દોષી જણાશે, તો તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

ઉજ્જેન જિલ્લાની તરાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પરમારે કહ્યું કે, દેશના વડાપ્રધાન મોદી હોસ્પિટલ જઈને વૅક્સિન લગાવે છે અને પોતાની તસવીર ટ્વીટ કરે છે. બીજી તરફ ઉજ્જૈનથી ભાજપના સાંસદ સરકારી ટીમે ઘરે બોલાવીને વૅક્સિન લગાવી રહ્યાં છે.

(11:51 pm IST)