મુખ્ય સમાચાર
News of Sunday, 15th May 2022

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ રસિકોમાં શોકની લાગણી: ત્રણ મહિનામાં 3 દિગ્ગજ ક્રિકેટરોને ગુમાવ્યા

4 માર્ચના રોજ સૌપ્રથમ રોડ માર્શનું નિધન થયું હતું: ગત 14 મેં એ પૂર્વ ખેલાડી એન્ડ્રયુ સાયમન્ડસનું રોડ અકસ્માતમાં નિધન: શેન વોર્ને પણ 4 માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા.

નવી દિલ્હી:છેલ્લા ત્રણ મહિનાઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો માટે ખૂબ જ દુઃખદ રહ્યા છે. માર્ચ 2022થી આ દેશે એક-બે નહીં પરંતુ 3 ક્રિકેટરોને ગુમાવ્યા છે. 4 માર્ચના રોજ સૌપ્રથમ રોડ માર્શનું નિધન થયું હતું.

74 વર્ષના આ દિગ્ગજ ક્રિકેટરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ તેમના મૃત્યુ સુધી રોયલ એડિલેડ હોસ્પિટલમાં કોમામાં હતા. થોડા દિવસો બાદ લેગ સ્પિનર શેન વોર્નનું નિધન થયું હતું. થાઈલેન્ડમાં હાર્ટ એટેકને કારણે આ દિગ્ગજ ક્રિકેટરનું નિધન થયું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો આ બે મોટા આઘાતમાંથી બહાર આવી જ રહ્યા હતા કે, એન્ડ્રયુ સાયમન્ડસનું કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે.

રોડ માર્શ

રોડ માર્શનું નિધન 4 માર્ચ 2022ના રોજ થયું હતું. તેના એક અઠવાડિયા અગાઉ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ કોમામાં હતા. આ મહાન ખેલાડીએ પોતાના દેશ માટે 96 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે ત્રણ ટેસ્ટ સદી ફટકારી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું નેતૃત્વ કર્યું અને દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વર્લ્ડ કોચિંગ એકેડમીના ઉદ્ઘાટન પ્રમુખ હતા.

શેન વોર્ન

શેન વોર્ને પણ પોતાના અંતિમ શ્વાસ 4 માર્ચ 2022ના રોજ જ લીધા હતા. વોર્નર તેના થાઈલેન્ડ વિલામાં રજાઓ ગાળવા ગયા હતા, પરંતુ ત્યાં તે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે, તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. 52 વર્ષીય શેન વોર્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાંના એક હતા 1992માં ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ રમ્યા અને 708 વિકેટો લીધી હતી. તે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી ટેસ્ટ ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.

એન્ડ્રયુ સાયમન્ડસ

14 મે 2022ના રોજ આ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે લગભગ 11:00 વાગ્યા આસપાસ સાયમન્ડસની કાર રોડ પરથી ઉતરી ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ દરમિયાન તેઓ એકલા જ કારમાં સવાર હતા. સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 રમી હતી. આ દરમિયાન તેમણે અનુક્રમે 1462, 5088 અને 337 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ત્રણેય ફોર્મેટમાં કુલ 165 વિકેટ લીધી હતી. સાયમન્ડ્સ ફિલ્ડ પર તેના આક્રમક અંદાજ અને શાનદાર ફિલ્ડિંગ માટે પણ જાણીતા હતા.

(10:55 pm IST)